કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરને આજે બપોરે ત્રણ વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારનો નવો આદેશ આવવા સુધી મંદિર બંધ રહેશે. જોકે, સાંઈ મંદિરમાં દરરોજની જેમ જ પૂજા અને આરતી થતી રહેશે. આ અંગે શ્રી સાંઈબાબા સંસ્થાએ જાણકારી આપી છે.
મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સિદ્ધિવિનાયક ટ્રસ્ટને 16 માર્ચથી સાંજે સાત વાગ્યા બાદથી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આગામી નિર્ણય સુધી તેને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને લોકોને જાહેર જગ્યાઓ પર એકઠા ન થવા માટેનો આદેશ આપ્યો હતો.
મહારાષ્ટ્ર ઉપરાંત ગુવાહાટીના પ્રસિદ્ધ કામાખ્યા દેવીના મંદિરમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવતી પ્રસાદી બંધ કરી દેવામાં આવી છે. આ મંદિરમાં છેલ્લા કેટલાક દિવસથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓની થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત હેન્ડ સેનિટાઈઝર પર રાખવામાં આવ્યા છે તેમજ મંદિરના પરિસરમાં મેડિકલ કેમ્પની વ્યવસ્થા પણ કરી છે.
મહારાષ્ટ્રમાં ભગવાન ગણપતિના પૌરાણિક દગડૂશેઠ હલવાઈ મંદિરને પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર પણ આજે સવારની ભસ્મ આરતી બાદ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે મંગળવારે એનઆરઆઈ અને વિદેશી પ્રવાસીઓની યાત્રા પર 28 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.