કોરોનાની ભયાનકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે દુનિયાભરની એરલાઈન્સને કોરોનાના કારણે 113 બિલિયન ડોલરનો ફટકો પડશે. હવાઈયાત્રામાં ઘટાડો થયો હોવાથી એરલાઈન્સની દુનિયાભરની સર્વિસ પ્રભાવિત થઈ રહી છે.
એરલાઈન્સને મોટો ફટકો પડી રહ્યો હોવાથી એક પછી એક એરલાઈન્સ તેમની સર્વિસ બંધ કરી રહી છે. અગાઉ મોનાર્ક અને થોમસ કૂક એરલાઈન્સે તેેમની સર્વિસ બંધ કર્યાની જાહેરાત કરી હતી. હવે બ્રિટિશ એરલાઈન્સ ફ્લાઈબ પણ બંધ થઈ ગઈ છે. આ એરલાઈન્સના માધ્યમથી દર વર્ષે આશરે 80 લાખ કરતા વધુ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા.
એવો જ ફટકો પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીને પણ પડયો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) સંગઠને સાથી દેશોને દરરોજ 15 લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
રશિયા સમર્થન આપશે તે સાથે જ ઓપેક દેશો પેટ્રોલિયમના ઉત્પાદનમાં કાપ મૂકશે. કોરોનાના કારણે અસંખ્ય સેક્ટર્સ મંદીમાં સપડાયા છે. એરલાઈન્સથી લઈને ઉદ્યોગ એકમો બંધ થઈ રહ્યા હોવાથી તેની અસર ટ્રાન્સપોર્ટ ઉપર પણ પડી રહી છે. આ બધા જ કારણોસર પેટ્રોલિયમની ડિમાન્ડ ઘટી ગઈ છે.