ભારતમાં હાલમાં કોરોના વાઈરસના ચેપ અને દર્દીઓના આંકડામાં છેલ્લા થોડા સમયમાં નોંધાયેલા નાટ્યાત્મક, નોંધપાત્ર ઘટાડાથી આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો ચકિત થઈ ગયા છે, તો તેના કારણો વિષે અનેક મતમતાંતર જણાય છે.
ગયા વર્ષે કોરોનાનો રોગચાળો તેની ચરમ સીમાએ હતો ત્યારે એવો ડર હતો કે વિશ્વમાં સૌથી વધુ વસતીમાં બીજા ક્રમે આવતા ભારતની હેલ્થ કેર સીસ્ટમ તો સાવ નાજુક છે, તે સંજોગોમાં સૌથી વધુ દર્દીઓ અને સૌથી વધુ મૃત્યુમાં ભારત કદાચ અમેરિકાને પણ પાછું પાડી દેશે. પણ ગયા વર્ષે જ સપ્ટેમ્બર મહિના પછી ચેપના ફેલાવાનો દર ઘટતો ગયો અને આજે તો નવા કેસીઝની સંખ્યા દૈનિક 11,000થી નીચી ઉતરી ગઈ છે. એક તબક્કે રોજના એક લાખ કેસની તુલનાએ થયેલા આ ઘટાડા અંગે જાણકારોમાં જો કે, અનેક મતમતાંતરો છે.
કેટલાક લોકો એવું માને કે અનેક વિસ્તારોમાં લોકો હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત કરી ચૂક્યા છે, અથવા તો કેટલાક લોકોના શરીરમાં પહેલેથી જ કોરોના સામેની પ્રતિકારશક્તિ હોય છે. ભારત સરકાર આ ઘટાડા માટે આંશિક રીતે માસ્કના નિયમને કારણરૂપ માને છે, જો કે એ વિષે વ્યાપક આશંકાઓ છે. જાણકારો જો કે કોરોનાના દર્દીઓની ગણતરીના માપદંડો વિષે શંકા દર્શાવે છે.
જાણકારો જો કે એવી ચેતવણી પણ આપે છે કે, હજી દેશની મોટા ભાગની વસતી માટે કોરોનાના શિકાર થવાનું જોખમ માથે લટકતી તલવાર જેવું છે. જાણકારોનો એક વર્ગ એવું માને છે કે, ભારતમાં સંખ્યાબંધ લોકો પોતાના જીવનકાળમાં કોલેરા, ટાઈફોઈડ, ટીબી વગેરે જેવા અનેક રોગોમાં સપડાતા હોય છે કે એકાદ વખત તો સપડાઈ ચૂક્યા હોય છે, જેના કારણે તેમનું શરીર કોરોનાના આક્રમણનો પણ પ્રારંભિક તબક્કે તો જોરદાર સામનો કરી જ શકે છે. અને શક્યતા એવી પણ છે કે કોરોના વાઈરસ નાક કે ગળામાં હોય ત્યાં સુધીમાં જ તેના ઉપર કાબુ મેળવાઈ જાય તો તકલીફ ગંભીર નથી બનતી.