યુકેમાં કોરોનાવાયરસથી છેલ્લા 24 કલાકમાં 569 લોકોના મોત નિપજ્યા હતા અને કુલ મૃત્યુનો આંક 2,921 થયો હતો. આજનો આંક અત્યાર સુધીમાં મોતને ભેટેલા લોકોનો સૌથી મોટો આંક છે. પાછલા 24 કલાકમાં સૌથી વધુ 4,244 લોકોને ચેપ લાગ્યો હોવાનું નિદાન થયું હતું. ગઈકાલે 563 લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાવાયરસનો પોઝીટીવ ટેસ્ટ ધરાવતા લોકોની સંખ્યા 33,771 જેટલી થઇ હતી. આજનો દિવસ બ્રિટન માટે સૌથી વધારે ખરાબ દિવસ છે અને સતત ત્રીજો દિવસ છે જેમાં મરણ પામેલા લોકોની સંખ્યા આટલી ઉંચી ગઇ છે. યુકેના કોરોનાવાયરસના કેસની સંખ્યા 1.8 મિલિયન થઈ શકે છે.
વેલ્સમાં આજે કોરોનાવાયરસથી 29, નોર્ધર્ન આયર્લેન્ડમાં વધુ બે, ઇંગ્લેન્ડમાં 486 અને અન્ય 11 લોકોના નવા મૃત્યુ નોંધાયા હતા. સ્કોટલેન્ડમાં મૃત્યુની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને કાલના 60 મરણની સામે આજે 126 લોકોના મોત નોંધાયા હતા.
એન.એચ.એસ. સ્ટાફનો ટેસ્ટ કરવા આખરે ચેઝીંગ્ટનમાં એક મેક-શિફ્ટ સુવિધા ઉભી કરવીમાં આવી હતી. જ્યા આજે કારની કતારો લાગી હતી. આરોગ્ય વિભાગના આંકડાનો અર્થ છે કે યુકેમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુના આંકમાં તા. 27 માર્ચથી, છ દિવસમાં લગભગ ચાર ગણો વધારો થયો છે.
કોવિડ – 19 કટોકટીથી બચવા ઉદ્યોગો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે બ્રિટીશ ચેમ્બર્સ ઑફ કોમર્સના સર્વે મુજબ લગભગ 44% કંપનીઓએ જણાવ્યું છે કે તેમના અડધા કરતા વધુ સ્ટાફને ‘ફરલો’ યોજના દ્વારા સરકાર 80 ટકા વેતન ચૂકવશે. યુકેના ચાર કર્મચારીઓમાંથી એક કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ફરલો સ્કીમ હેઠળ વેતન ચૂકવાશે. વડા પ્રધાને વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કર્યા પછી યુનિવર્સલ ક્રેડિટ માટેની અરજીઓ વધી ગઈ છે.
યુકેમાં કોરોનાવાયરસથી છેલ્લા 3 દિવસમાં મરણ પામેલા લોકોની સંખ્યા 1,124 થઈ છે. બ્રિટનમાં હવે જર્મની જેટલા જ લોકો મોતને ભેટ્યા છે. હોસ્પિટલોની બહાર મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ કરવામાં આવે ત્યારે મૃત્યુની સંખ્યા 24 ટકા વધારે હોઈ શકે છે. યુકે યુરોપનો પાંચમો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે અને વિશ્વનો આઠમો દેશ બની ગયો છે.
મોતને ભેટેલો દેશનો સૌથી નાનો દર્દી 13 વર્ષનો બ્રિક્ષ્ટન, લંડનનો ઇસ્માઇલ મોહમ્મદ અબ્દુલવહાબ હોવાનું માનવામાં આવે છે. જેનું સોમવારે કિંગ્સ કૉલેજ હોસ્પિટલમાં દુ:ખદ મૃત્યુ થયુ હતુ. જ્યારે સૌથી વૃદ્ધ દર્દીની ઉંમર 99 વર્ષની હતી.
બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ એનએચએસ સ્ટાફના ટેસ્ટ વિષે પ્રશ્નોના આક્રમણનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે 85 ટકા હેલ્થ કેર વર્કર સેલ્ફ આઇસોલેટ થયા હતા અને તેમનો વાઇરસ જતો રહ્યો હોય તો તેઓ કામ કરી શકે છે. પરંતુ ફક્ત 2,000 તબીબોની તપાસ કરવામાં આવી છે અને પરીક્ષણો માટેની યુકેની ક્ષમતા દૈનિક 10,000 ની છે, જ્યારે જર્મની પહેલાથી જ દિવસ દીઠ 100,000 ટેસ્ટ કરે છે. શ્રી શર્માએ જણાવ્યુ હતુ કે ‘પરીક્ષણ ક્ષમતા વધારવી એ સંપૂર્ણપણે સરકારની અગ્રતા છે.’’
યુકેનુ લોકડાઉન અસરકારક થયુ
યુકેના લોકડાઉનથી કોરોનાવાયરસના ફેલાવાને ખૂબ જ સારી રીતે અવરોધિત કરવામાં આવી રહ્યો છે અને વૈજ્ઞાનિકોના મતે કે તેનો અંત કદાચ વહેલો આવી શકે છે. પ્રત્યેક ચેપગ્રસ્ત દર્દી હવે ફક્ત 0.62 અન્ય લોકોને જ COVID-19 પસાર કરી શકે છે. લોકોને ઘરે રહેવાની ફરજ પાડવામાં આવી તે પહેલા આ દર સરેરાશ, 2.6 જેટલો હતો.
રોગચાળો ફેલાય તે માટે વાયરસનો પ્રજનન નંબર 1 હોવો આવશ્યક છે જેને આર-નોટ તરીકે ઓળખવામાં આવે છે. જો તેને એકથી એકના ગુણોત્તરથી ફેલાતો અટકાવવામાં આવે તો ઝડપથી નવા પીડિતોની સંખ્યા ઘટે છે. આ આર-નોટના દરને જેટલો ઘટાડવામાં આવે તેટલો વહેલો રોગચાળો સમાપ્ત થઈ જશે.
લોકડાઉનના કારણે લોકો પહેલા કરતા લગભગ રોજના 73 ટકા ઓછા લોકોનો સંપર્ક કરે છે. આનો અર્થ એ છે કે ‘વાયરસ ખૂણામાં ધકેલી દેવાયો છે જે ક્યાંય જઇ શકતો નથી અને મરી જશે. આ માટે લંડન સ્કૂલ ઑફ હાઇજિનના સંશોધનકારોએ 1,300 લોકોના ઑનલાઇન સર્વેક્ષણનો ઉપયોગ કરીને પોતાનો અંદાજ લગાવ્યો હતો.
રોગચાળો ‘વિચિત્ર, નિરાશાજનક અને દુ:ખદાયક’: પ્રિન્સ ચાર્લ્સ
પ્રિન્સ ચાર્લ્સે કોરોનાવાયરસમાંથી સાજા થયા બાદ એક વિડિઓ પ્રકાશિત કરી રોગચાળાને ‘વિચિત્ર, નિરાશાજનક અને ઘણીવાર દુ:ખદાયક’ ગણાવ્યો હતો. વેલ્સના 71 વર્ષીય પ્રિન્સે ત્રણ મિનિટના વિડીયોમાં ઇમરજન્સી સર્વિસ વર્કર અને દુકાનના કર્મચારીઓની સરાહના કરી હતી અને આશા સાથે જીવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે ‘’એનએચએસ સ્ટાફ સહિતના કી વર્કર તેમની શિફ્ટ પૂરી કરીને અને ખરીદી કરવા જતા હોય ત્યારે તેમની સાથે સારૂ વર્તન કરવામાં આવે તે ‘આવશ્યક’ છે. આ વિડીયો તા. 2ના રોજ સવારે સ્કોટલેન્ડમાં પ્રિન્સના ઘર બર્કહૉલમાં સ્ટાફ દ્વારા રેકોર્ડ કરાયો હતો અને સોમવારે સેલ્ફ આઇસોલેશનમાંથી બહાર આવ્યા તે પછીનો પહેલો હતો.
- જૂનના અંતમાં સુનિશ્ચિત થયેલ વિમ્બલ્ડન 2020 ટેનિસ ટૂર્નામેન્ટ રોગચાળાને કારણે રદ કરવામાં આવી છે. આયોજકોનું કહેવું છે કે તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે નહીં અથવા તો પ્રેક્ષકો વિના રમવામાં આવશે નહીં;
- એડિનબરા ફેસ્ટિવલ ફ્રિંજને રદ કરવામાં આવ્યો છે.
- સરકારની ઇમરજન્સી લોન નકારવામાં આવ્યા પછી 10 મિલિયન જેટલી કંપનીઓ બંધ થશે તેવી બેંકોએ ધમકી આપી છે.
- પેટ્રોલ – ડીઝલની રાષ્ટ્રીય માંગમાં 70 ટકાનો ઘટાડો થતા સેંકડો ગ્રામીણ પેટ્રોલ સ્ટેશનો બંધ કરવા પડશે.
- ઇમ્પીરીયલ કૉલેજ લંડનના સંશોધન મુજબ યુકેના લોકડાઉનને પગલે દરેક દર્દી 6 લોકોને બદલે માત્ર 0.62 વ્યક્તિને જ ચેપ લગાવે છે. આમ ચેપ લાગતા લોકોની સંખ્યામાં ઘટાડો થશે.
- સ્પેનમાં દર સાત લોકોમાં એકને અને કુલ 7.5 મિલિયન લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગેલો છે.
- ઇટાલીની વસ્તીના 10 ટકા લોકોને ચેપ લાગેલો છે.
- ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલમાં 70થી વધુ આરોગ્ય કર્મચારીઓને કોરોનાવાયરસ.
- યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર એન્થોની કોસ્ટેલોએ કહ્યું હતુ કે લંડનની હોસ્પિટલમાં 181 માંથી 73 સ્ટાફને કોરોના વાયરસ છે.
- છેલ્લા એક પખવાડિયામાં લગભગ એક મિલિયન લોકોએ યુનિવર્સલ ક્રેડિટનો દાવો કર્યો છે.
- ચેઝીંગ્ટન વર્લ્ડ ઑફ એડવેન્ચર્સ અને અન્ય સ્થળે ડ્રાઇવ થ્રુ કોરોનાવાયરસ ટેસ્ટ કરવામાં આવે છે.