કાળમુખા કોરોનાવાયરસે હવે તેનુ અસલ ખુની રૂપ ધારણ કર્યુ છે અને છેલ્લા 24 કલાકમાં 563 વ્યક્તિઓનો ભોગ લીધો છે. કોરોનાવાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 2,352 થઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 4,324 કેસ નોંધાયા છે અને લગભગ 29,474 જેટલા નાગરીકોને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોવાનુ બહાર આવ્યુ છે. આમ યુકે, યુરોપનો પાંચમો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બની ગયો છે.
મંગળવારે 381 લોકોના મોતની ઘોષણા કરવામાં આવી હતી જેમાં આજે 182નો વધારો નોંધાયો હતો જે રાતોરાત લગભગ ત્રીજા ભાગનો કુદકો છે. વેલ્સમાં આજે કોરોનાવાયરસથી 29 નવા મૃત્યુ નોંધાયા છે. જ્યારે સ્કોટલેન્ડમાં 16 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં વધુ બે લોકોનાં મોત થયા છે.
સ્કોટલેન્ડનો કુલ મૃત્યુઆંક 76 પર પહોંચ્યો છે અને 317 નવા કેસ જાહેર કર્યા છે. જ્યારે ચેપનો આંક 2,310 પર પહોંચી ગયો છે. યુકેમાં કોરોનાવાયરસના ખરેખર કેટલા દર્દીઓ છે તે હજુ સુધી રહસ્ય જ રહ્યું છે. કારણ કે યુકે દ્વારા ફક્ત હોસ્પિટલમાં જ દર્દીઓના ટેસ્ટ કરવની નીતિ રહી છે. જ્યારે કોરોનાવાયરસના લક્ષણ ધરાવતા હજારો લોકો ઘરે બેઠા છે.
યુકેના નવા ઉત્પાદીત વેન્ટિલેટર તૈયાર
કેબિનેટ ઓફિસ મિનીસ્ટર માઇકલ ગોવે પત્રકારોને જણાવ્યું હતું કે બ્રિટનના બિઝનેસીસ દ્વારા તૈયાર કરાયેલા વેન્ટીલેટર તૈયાર થઇ ગયા છે અને આવતા અઠવાડિયે નેશનલ હેલ્થ સર્વિસ માટે ઉપલબ્ધ થશે. સરકારે ફોર્ડ, એરબસ અને મેકલેરેન સહિતની કંપનીઓના કન્સોર્ટિયમ પાસેથી 10,000 વેન્ટીલેટર ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. વેક્યૂમ ક્લીનર-નિર્માતા ડાયસન પણ વેન્ટીલેટરનું ઉત્પાદન કરી રહી છે.
પ્રથમ ડિલિવરી કન્સોર્ટિયમના પેનલોન મોડેલની હશે, જેને હાલના ડીવાઇસીસ દ્વારા ઝડપથી સ્વીકારવામાં આવ્યા છે અને રેગ્યુલેટરની મંજૂરી પણ મળી ગઇ છે. સાયન્સ ગ્રૂપ પણ 10,000 સરકારી વેન્ટિલેટરના ઉત્પાદન માટે સરકાર સાથે કરારની વાટાઘાટ કરી રહી છે. સેજેન્ટિયા વેન્ટિલેટરનો વર્કિંગ પ્રોટોટાઇપ બનાવાયો છે અને તેના 20 ટ્રાયલ યુનિટ્સ બનાવાઇ રહ્યા છે.
યુકેની બેંકોને અબજોની ચૂકવણી માટે દબાણ
બેન્ક ઑફ ઇંગ્લેંડ દ્વારા બજારમાં નાણાંની પ્રવાહીતા વધારવા અને કોરોનાવાયરસ સંકટને પહોંચી વળવા માટે લોકોને મદદ કરવા પગલા ભરવાની વિનંતી કર્યા બાદ બ્રિટનના બેંકિંગ ક્ષેત્રએ શેરહોલ્ડરેને ડિવિડન્ડ અને શેર બાયબેક્સમાં કેટલાય બિલીયન પાઉન્ડ ચૂકવ્યા છે.
પ્રુડેન્શિયલ રેગ્યુલેશન ઓથોરિટી વિભાગે લેન્ડર્સને વર્ષના અંત સુધી નાણાં ચુકવવાનુ બંધ કરવા કહ્યું હતું. ટોચના સ્ટાફને કોઈ રોકડ બોનસ ચૂકવવાની પણ ના કહી છે. બાર્કલેઝ, એચએસબીસી, લોયડ્સ બેન્કિંગ ગ્રૂપ, રોયલ બેંક ઑફ સ્કોટલેન્ડ, સેંટાન્ડર અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે જણાવ્યું હતું કે તેઓ ડિવિડન્ડ નહિ ચૂકવે અને બાયબેક્સ નહીં આપે.