યુકેમાં કોરોનાવાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 739 લોકોના મોત નોંધાયા હતા. જ્યારે બ્રિટનનો સત્તાવાર મૃત્યુ આંક 27,510 થયો હતો. નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે કેર હોમ્સની કટોકટી મહિનાઓ સુધી નહીં આવે. વાયરસના બીજા નવા 6,૦૦૦ કેસ નોંધાયા હતા. ફેબ્રુઆરીમાં કટોકટી શરૂ થયા બાદ બ્રિટનના કુલ 177,૦૦૦ લોકોને ચેપ લાગી ચૂક્યો છે. પરંતુ ટેસ્ટના અભાવે આ આંક લાખોને આંબ્યો હશે તેમ મનાય છે. બોરીસ જ્હોન્સન આગામી ગુરૂવારે તેમની ‘વ્યાપક’ લોકડાઉન એક્ઝિટ યોજનાનું અનાવરણ કરનાર છે.
તા. 1 ના રોજ જહેર કરાયેલ આંક મુજબ ઓછામાં ઓછી 352 લોકોની જાનહાનિ હોસ્પિટલોમાં થઇ હતી. સ્કોટલેન્ડ 40, નોર્ધર્ન આયર્લેન્ડમાં 18 અને વેલ્સ 17 લોકોના મૃત્યુ થયા હતા જેમાં કેર હોમના મૃતકોનો સમાવેશ થાય છે. આંકડા દર્શાવે છે કે યુકેમાં છેલ્લા ત્રણ દિવસ સતત દૈનિક મૃત્યુના દરમાં ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ સપ્તાહના અંતે રેકોર્ડિંગ લેગને કારણે તે સતત દરે ઘટ્યો નથી.
ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં મરણ પામેલા લોકોમાં સૌથી વૃધ્ધ વ્યક્તિ 103 વર્ષની હતી. 18 મૃતકોને કોઇ જ બીમારી ન હતી. હેનકોકે તા. 1ની રાત્રે જાહેર કર્યું હતુ કે હોસ્પિટલમાં કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યામાં એક અઠવાડિયામાં 14 ટકાનો ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે નોંધાયેલા કુલ 17,492 દર્દીઓની સામે ગઈકાલે 15,094 દર્દીઓને એનએચએસ સંભાળની જરૂર હતી.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પ્રકાશિત આંકડા મુજબ દેશના સૌથી વંચિત ભાગોમાં 100,000 લોકો દીઠ 55 લોકોના કોરોનાવાયરસથી મૃત્યુ થયા હતા. ઇન્ટરેક્ટિવ મેપના રિપોર્ટ અનુસાર શ્રીમંત વિસ્તારોમાં આ દર ફક્ત 25નો જ હતો. લંડન બરો ઓફ ન્યુહામ, બ્રેન્ટ અને હેકની આખા દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો હતા, જેમાં 100,000ની વસ્તી દીઠ અનુક્રમે 144, 142 અને 127 લોકો ભોગ બન્યા હતા. હેસ્ટિંગ્સ અને નોરીચમાં સૌથી ઓછો મૃત્યુ દર 100,000 દીઠ અનુક્રમે છ અને પાંચ મૃત્યુનો હતો.
ન્યુહામમાં 71 ટકા અને બ્રેન્ટમાં 64 ટકા લોકો વંશીય લઘુમતીના છે. જ્યારે હેસ્ટિંગ્સ અને નોરીચમાં બહુમતી શ્વેત લોકોની છે, જ્યાં અનુક્રમે માત્ર 9 અને 6 ટકા લઘુમતી પૃષ્ઠભૂમિના લોકો વસે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ (આઈએફએસ)ના એક અલગ અહેવાલ મુજબ શ્યામ અને એશિયન લોકોમાં શ્વેતની સરખામણીએ મૃત્યુ પામવાની સંભાવના અઢી ગણી છે.
- દરરોજ જીડીપીમાંથી આશરે 2 બિલીયન પાઉન્ડ સાફ થઇ જાય છે.
- મતદાન સૂચવે છે કે બ્રિટનના 61 ટકા લોકો બાર અને રેસ્ટરન્ટમાં જતા ગભરાય છે. પછી ભલેને કડક નિયંત્રણો છૂટા કરવામાં આવે.
- યુકેની વસ્તી વિશ્વના સૌથી વધુ ચિંતિત લોકોમાં એક છે જેના ચાથા ભાગની વસ્તી માને છે કે વડા પ્રધાનના ‘પાંચ ટેસ્ટની જરૂરીયાત પૂરી થાય તો પણ લોકડાઉન હળવુ ન થવું જોઈએ.
- એવા અહેવાલો છે કે કામ પર પાછા ફરનાર કેટલાકને પડોશીઓ પોતાની સુરક્ષાને લક્ષમાં રાખી ધમકી આપી રહ્યા છે.
- હેનકોકનેને એક-દિવસના એક લાખ ટેસ્ટ માટે પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો અને આક્ષેપ થાય છે કે લક્ષ્ય સિધ્ધ કરવા ચાલાકી કરવામાં આવી છે.
- મંત્રીઓને ચેતવણી આપવામાં આવી હતી કે ‘સ્ટે હોમ’નો મેસેજ ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યો છે પણ ‘કોરોનાફોબીયા’નો ડર યુકેને પાછુ ટ્રેક પર આવવામાં અડચણ કરી શકે છે.
- બોરીસ જ્હોન્સન આગામી ગુરૂવારે તેમની ‘વ્યાપક’ લોકડાઉન એક્ઝિટ યોજનાનું અનાવરણ કરશે.
- ઇન્ટરેક્ટિવ મેપ જાહેર કરાયો છે જેમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કયા વિસ્તારમાં કેટલા લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે તે બતાવાયુ છે.
- ટોચની મિડવાઇફે ચેતવણી આપી હતી કે કોરોનાવાયરસથી બાળકોના મૃત્યુમાં વધારો થઈ શકે છે, કારણ કે મુશ્કેલ ગર્ભાવસ્થા ધરાવતી મહિલાઓને હોસ્પિટલોમાં જવાથી ડરે છે.
- લેબર નેતા સર કૈર સ્ટાર્મરે વડા પ્રધાન બોરીસ જ્હોન્સન પર કટોકટીના દરેક તબક્કે ધીમા હોવાનો આરોપ લગાવ્યો હતો.
- રાયનએરે નોકરીમાં 3,000નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કારણ કે એપ્રિલથી જૂન વચ્ચેના શેડ્યૂલના તેમણે 1 ટકાથી ઓછી કામગીરી કરી હતી.