વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ગુરુવારે જારી કરેલા અહેવાલમાં અંદાજ આપ્યો કે છેલ્લાં બે વર્ષમાં ભારતમાં કોરોના વાઇરસ અથવા તેને કારણે આરોગ્ય સિસ્ટમને થયેલી અસરોને કારણે આશરે 4.7 મિલિયન લોકોના મોત થયા હોવાની શક્યતા છે, જે સત્તાવાર આંકડા કરતા 10 ગણા છે. જોકે ભારતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ઉપયોગ કરેલા મેથેમેટિક મોડલ સામે જોરદાર વાંધો ઉઠાવ્યો છે.
આ રીપોર્ટ મુજબ વિશ્વમાં જાન્યુઆરી ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૧ વચ્ચે કુલ આશરે 15 મિલિયન લોકો કોરોનાની મહામારીના કારણે મૃત્યુ પામ્યા હોવાનો અંદાજ છે, એટલે કે કુલ ૭૩૦ દિવસમાં દૈનિક ૨૦,૪૧૧ વ્યક્તિઓ આ જીવલેણ બીમારીનો ભોગ બની હોવાનો અંદાજ છે WHOએ જાહેર કરેલા આંકડા અગાઉના પોતાના જ અંદાજો કરતા ત્રણ ગણા વધુ છે. વિશ્વમાં મોટાભાગના મોત સાઉથઇસ્ટ એશિયા. યુરોપ અને અમેરિકામાં થયા હતા. વિશ્વમાં મોતનો સત્તાવાર આંકડો 6 મિલિયન છે.
ભારતના આરોગ્ય મંત્રાલયે આ રીપોર્ટનું ખંડન કરતાં જણાવ્યું હતું કે આ આંકડા વાસ્તવિકતાથી તદ્દન અલગ છે. ભારતમાં જન્મ અને મરણની નોંધણીની મજબૂત સિસ્ટમ છે. ડબલ્યુટીઓની ડેટા કલેક્શન સિસ્ટમ આંકડાકીય રીતે અને વૈજ્ઞાનિક રીતે વાંધાનજક છે.
અગાઉ, ન્યૂ યોર્ક ટાઈમ્સના જુલાઈ ૨૦૨૧ના એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારતમાં કોરોનાના કારણે ૩૦ લાખ વ્યક્તિના મુત્યુ થયા છે અને એ સમયે તે ભારતના સત્તાવાર આંક કરતા ૧૦ ગણો વધારે હતો. ભારત સરકારે જોકે, આ અહેવાલનું ખંડન કર્યું હતું અને આ અખબારની પદ્ધતિ સામે સવાલ ઉભા કર્યા હતા.