કોરોના વાઈરસનો ફેલાવો અને મૃત્યુનો આંક વધી રહ્યો છે ત્યારે બ્રિટનનુ અર્થતંત્ર ખોરવાઇ ન જાય તે આશયે 330 બિલિયન પાઉન્ડની લોન ગેરંટીની જીવાદોરી બ્રિટન સરકાર બિઝનેસીઝને આપશે. આ ઉપરાંત કરમાંથી કપાત, ગ્રાંટ અને અન્ય મદદ માટે વધુ 20 બિલિયન પાઉન્ડ પૂરા પડાશે. ચાન્સેલર ઋષિ સુનાકે ફરી રીટેલર્સ, બાર, એરપોર્ટ તથા અન્ય કંપનીઓને મદદ કરવા માટે જે કંઈ કરી શકે તે તમામ મદદ કરવાનું વચન આપ્યું છે. થિંક-ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝે હજૂ વધુ કાર્યવાહી કરવાની જરૂર રહેશે એમ જણાવ્યુ હતુ.
સુનકે જણાવ્યું હતું કે, તેઓ નવી લોન ગેરંટી પ્રોગ્રામની સાથે, તમામ રીટેઈલ, હોસ્પિટાલિટી અને લેઝર બિઝનેસમાં મિલકત વેરા સસ્પેન્ડ કરશે. બ્રિટિશ ઇકોનોમિક આઉટપુટમાં તેનું પ્રદાન 15% જેટલું હતું. તે ક્ષેત્રની કંપનીઓને રોકડ ગ્રાંટની ઓફર કરાશે અને સરકાર એરલાઇન્સ અને એરપોર્ટ માટે સપોર્ટ પેકેજ પર ચર્ચા કરશે. હિથ્રો અને ગેટવિક સહિત બ્રિટનના સૌથી મોટા એરપોર્ટ્સે ચેતવણી આપી છે કે સરકાર મદદ નહીં કરે તેમના માથે તો સંપૂર્ણ શટડાઉનનો ખતરો છે.
બેંકો અને ધીરાણ કરતી કંપનીઓ મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ત્રણ મહિનાનો મોર્ગેજ હોલીડે આપશે અને ભાડે રહેતા લોકોને પણ મદદ કરશે. સરકાર નોકરી અને આવકને ટેકો આપવા માટે પણ મદદ કરશે. બીજી તરફ ત્રણ મહિના સુધી દર્દીઓની નિયમિત સર્જરીઝ રદ કરાઇ છે.