ગુજરાતમાં કોરોના વાયરસ દિવસને દિવસે વધુ ભયાવહ રૂપ બતાવી રહ્યો છે અને દૈનિક કેસનો ગ્રાફ દરરોજ નવી સપાટી વટાવવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ ગુજરાતમાં કોરોનાના અત્યારસુધીના સૌથી વધુ 879 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 41906 થઇ ગયો છે. ગુજરાતમાં હાલ 10661 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2047 થઇ ગયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા-દેવ ભૂમિ દ્વારકા-ડાંગ-પોરબંદર સિવાયના તમામ જિલ્લાઓમાં કોરોના સંક્રમણના નવા કેસ સામે આવ્યા હતા. સુરત શહેરમાં 205-સુરત ગ્રામ્યમાં 46 સાથે કુલ 251 કેસ નોંધાયા હતા. આમ, સુરતમાં કોરોનાનાના કુલ કેસનો આંક હવે 7828 થઇ ગયો છે. સુરતમાં જુલાઇના 12 દિવસમાં જ કોરોનાના કુલ કેસનો આંક હવે 2999 છે. હાલ સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા 2834 થઇ ગઇ છે. સૌથી વધુ દૈનિક કેસમાં સુરત બાદ અમદાવાદ ફરી એકવાર બીજા સ્થાને રહ્યું હતું.
અમદાવાદમાં વધુ 172 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 23 હજારને વટાવીને 23095 થઇ ગયો છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3654 છે. જુલાઇ માસના 12 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 2182 કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ 75 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 3052 થઇ ગયો છે.જૂન મહિનાના અંત સુધી વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંક 2267 હતો. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 46-46 સાથે રાજકોટ-ભાવનગર, 42 સાથે જુનાગઢ, 29 સાથે ગાંધીનગર,23 સાથે મહેસાણા, 21 સાથે સુરેન્દ્રનગર, 19 સાથે મોરબી, 16-16 સાથે ખેડા-વલસાડનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં હાલ ડાંગ-પોરબંદર-દેવભૂમિ દ્વારકા-તાપી-છોટા ઉદેપુર-મોરબી જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસ 100થી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર અમદાવાદ કરતાં સુરતમાં વધુ મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાંથી 4-સુરતમાંથી 5 જ્યારે જુનાગઢ-ખેડા-રાજકોટમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1519, સુરતમાં 214, વડોદરામાં 49 ગાંધીનગરમાં 32, રાજકોટમાં 18 છે.
ગુજરાતમાં હાલ 10661 એક્ટિવ કેસમાંથીન 67 વેન્ટિલેટર પર છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 513 સાથે કોરોનાથી ડિસ્ચાર્જ થનારા કુલ દર્દીઓનો આંક 29189 થયો હતો. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 138, અમદાવાદમાંથી 133, જુનાગઢમાંથી 53, બનાસકાંઠામાંથી 38, વડોદરામાંથી 31 દર્દીઓને રજા આપવામાં આવી હતી. છેલ્લા 24 કલાકમાં વધુ 7580 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક 4,64,646 થયો છે. ગુજરાતમાં હાલ 3.25 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે.
ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 41906 થઇ ગયો છે. જૂન મહિનાના અંત સુધી ગુજરાતમાં કુલ 32643 કેસ હતા. આમ, જુલાઇમાં જ 9263 કેસ નોંધાયેલા છે.આ સ્થિતિએ ગુજરાતમાં કોરોનાના કુલ કેસના અંદાજે 22% તો માત્ર જુલાઇમાં જ નોંધાયેલા છે. ગુજરાતમાંથી હાલ ડાંગ-પોરબંદર-દેવભૂમિ દ્વારકા-તાપી-છોટા ઉદેપુર-મોરબી જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના કુલ કેસ 100થી ઓછા નોંધાયા છે. જેમાં ડાંગમાં સૌથી ઓછા 7, પોરબંદરમાં 24, દેવભૂમિ દ્વારકામાં 29 કેસ નોંધાયેલા છે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસ છે.