વિશ્વભરમાં કોહરામ સર્જી રહેલી કોરોના મહામારી કાબુમાં આવતી નથી. દુનિયામાં કોરાના કેસની કુલ સંખ્યા બે કરોડને પાર થઈ ગઈ છે જયારે મૃત્યુઆંક 7.30 લાખથી અધિક થઈ ગયો છે. એક આશાસ્પદ હકીકત એ છે કે ન્યુઝીલેન્ડ જેવા અર્ધોડઝન દેશો કોરોનામુક્ત થયા છે અને નવા સંક્રમીત અટકયા છે.
વિશ્વમાં કોરોના કેસની કુલ સંખ્યા બે કરોડ ચોવીસ હજાર થઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં 2.20 લાખ કેસ નોંધાયા હતા. કુલ મૃત્યુઆંક 7.34 લાખ થયો છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ એવા અમેરિકામાં કુલ કેસ બાવન લાખ પર પહોંચી ગયા છે. છેલ્લા પખવાડીયામાં જ નવા 10 લાખ કેસો ઉમેરાયા છે. બીજા ક્રમે બ્રાઝીલમાં 30 લાખ કોરોના કેસ છે જયારે ત્રીજા ક્રમે રહેલા ભારતમાં આ આંકડો 22 લાખને પાર થઈ ગયો છે.
અમેરિકાને લાગેવળગે છે ત્યાં સુધી પ્રથમ દસ લાખ કેસ 28મી એપ્રિલે થયા હતા. ત્યારપછી 20 લાખનો આંકડો 10 જૂને આંબ્યો હતો.. 7 જુલાઈએ 30 લાખ, 23 જુલાઈએ 40 લાખ કેસ થયા હતા. 16 જુલાઈએ એક દિવસના સૌથી વધુ 75697 કેસ નોંધાયા હતા. ત્યારપછી થોડી રાહત હોવા છતાં દરરોજ સરેરાશ 53000 કેસ થાય છે. અત્યાર સુધીમાં 1.61 લાખ લોકોનો ભોગ લેવાયો છે.
બ્રાઝીલમાં પણ હાલત ગંભીર હોય તેમ મૃત્યુઆંક એક લાખથી વધી ગયો છે. દરરોજ સરેરાશ 1000થી વધુ મોત થાય છે. બીજી તરફ કેટલાક પોઝીટીવ સમાચાર પણ છે. જે મુજબ ન્યુઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસથી એકપણ નવો પોઝીટીવ કેસ નોંધાયો નથી જે સીમાચિહનરૂપ છે. દેશમાં હાલ માત્ર 23 એકટીવ કેસ છે. આ સિવાય મકાઉ, ભૂટાન જેવા દેશો પણ કોરોના મુક્ત છે.