ભારતમાં કોરોનાના કેસો ઝડપભેર વધવા લાગ્યા છે અને એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 1276 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી અર્ધોઅર્ધ કેસ દિલ્હી-મુંબઈમાં જ નોંધાયા છે.ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 10000ને પાર થઈ ગઈ છે અને આંકડો 10450 પર પહોંચી ગયો છે.
દેશમાં મહારાષ્ટ્ર તથા દિલ્હી સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજયો બન્યા છે અને દેશના કુલ કોરોના કેસોમાંથી 37 ટકા ઉક્ત બન્ને રાજયોમાં છે. છેલ્લા 24 કલાક દરમ્યાન કુલ 1276 કેસોમાંથી દિલ્હીમાં 356 તથા મહારાષ્ટ્રમાં 352 પોઝીટીવ કેસ નોંધાયા છે. ભારત ઉપરાંત દિલ્હી તથા મહારાષ્ટ્રમાં પણ એક દિવસના સૌથી વધુ કેસ છે.
ભારતમાં કોરોનાનો મૃત્યુઆંક 358 પર પહોંચ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ 29 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 160 તથા દિલ્હીમાં 28ના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા 2334 થઈ છે. જયારે દિલ્હીમાં સંખ્યા 1510 પર પહોંચી છે. તામીલનાડુમાં 1173 તથા રાજસ્થાનમાં 895 કેસ છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 14 દિવસથી 25 જીલ્લાઓમાં એક પણ નવો પોઝીટીવ કેસ આવ્યો નથી. દેશમાં કુલ 732માંથી 380 જીલ્લા કોરોના વાયરસની ઝપટે ચડી ગયા છે. અત્યાર સુધીમાં 857 લોકો સાજા થઈ ગયા છે.
ઉતરપ્રદેશમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 112 કેસો પ્રકાશમાં આવ્યા છે અને કુલ સંખ્યા 589 પર પહોંચી છે. ત્રણ મહિનામાં માસુમ બાળકને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું છે તેને પરિવારના જ પોઝીટીવ દર્દીનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે.
પાટનગર દિલ્હીમાં નવા 356 કેસ નોંધાયા હતા તેમાંથી 325 કેસ તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. કેરળમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વૃદ્ધિદર અટકયો છે. નવા કેસ કરતા ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધુ રહી હતી. નવા 3 કેસ નોંધાયા હતા. જયારે 19 ડીસ્ચાર્જ થયા હતા. કર્ણાટકમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. કુલ કેસ 247 થયા છે. તેલંગાણામાં કુલ 592 કેસ નોંધાયા છે.