ભારતમાં સોમવારે કોરોના વાયરસના નવા 26,291 કેસ નોંધાયા હતા, જે 85 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાના કારણે એક દિવસમાં વધુ 118 લોકોના મોત પણ થયા હતા, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું. દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 1,58,725 થયો હતો. કોરોના વાયરસની સ્થિતિ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કથળેલી છે, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 16,620 કેસ નોંધાયા હતા, જ્યારે 8,861 લોકો સાજા થયા હતા અને 50 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 26,000 કરતા વધારે નવા કેસ નોંધાતા દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,13,85,339 થયો હતા. આની સામે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,10,07,352 થઈ ગઈ હતી.. છેલ્લા 24 કલાકમાં વધુ 17,455 દર્દીઓ સાજા થયા હતા પરંતુ તેની સામે નવા નોંધાયેલા કેસનો આંકડો મોટો હોવાથી એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,19,262 થઈ ગઈ હતી. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં સતત પાંચમાં દિવસે વધારો થયો હતો.
છેલ્લાં 24 કલાસમાં કુલ 118 મોતમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 50 અને પંજાબમાં 20 લોકોના મોત થયા હતા. સોમવાર સુધીમાં દેશભરમાં કોરોના વેક્સીનના 2,99,08,038 ડોઝ આપવામાં આવ્યા હતા.