અમદાવાદમાં કોરોનાનો કેર વધતો જાય છે. આજે એક જ દિવસમાં નવા 317 કેસ નોંધાયા છે, જ્યારે 22 દર્દીઓના સારવાર દરમ્યાન કરુણ મોત નિપજ્યા છે. આ સાથે જિલ્લા સમેત દર્દીઓનો કુલ આંકડો 17946ને આંબી ગયો છે, તેમજ કુલ મૃત્યુની સંખ્યા 1475ની થઈ ગઈ છે. બીજી તરફ સાજા થયેલા 281 લોકોને જુદી જુદી હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. મ્યુનિ.ની હદમાં સારવાર હેઠળના દર્દીનો આંકડો 3572નો થાય છે.
શહેરના તમામ વિસ્તારો અને સોસાયટીઓ સુધી કોરોનાનો વ્યાપ મહદઅંશે પહોંચી ગયો છે. આજે પણ શહેરના તમામ વિસ્તારોમાંથી વત્તાઓછા પ્રમાણમાં દર્દીઓ નોંધાયા છે. જો કે, નદીના પશ્ચિમ કાંઠાથી રિંગરોડ વચ્ચેના વિસ્તારોમાં કોરોનાના કેસો બહુ જ ઝડપથી વધી રહ્યા છે.
ગઈકાલે પશ્ચિમ ઝોનના પાલડી, નવરંગપુરા, રાણીપ, વાસણા, સ્ટેડિયમ, નવા વાડજ, નારણપુરામાં 62 કેસ નોંધાયા હતા, જ્યારે નવા પશ્ચિમના બન્ને દક્ષિણ અને અને ઉત્તરના વિસ્તારોમાં 64 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ગોતા, ઘાટલોડિયા, સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, સરખેજ, મક્તમપુરા, ચાંદલોડિયા વગેરે વિસ્તારોમાં કેસો અસામાન્ય રીતે વધી રહ્યા છે.
બીજા ક્રમે ઉત્તર ઝોનમાં 62, પૂર્વ ઝોનમાં 52 અને હોટસ્પોટ દક્ષિણ ઝોનમાં માત્ર 37 કેસ જ નોંધાયા છે. પશ્ચિમ અને નવા પશ્ચિમના સમૃદ્ધ અને સુશિક્ષિત વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 1167 કેસ નોંધાયા છે, તેમજ 62 દર્દીના કરુણ મૃત્યુ થયા છે. હોટસ્પોટ ગણાતા મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં દર્દીઓની સંખ્યા એકદમ ઘટી ગઈ છે, તેની સામે પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન તેમજ ઉત્તર ઝોન નવા હોટસ્પોટ બની રહ્યા છે. આ અંગે ડે. કમિશ્નર સી. આર. ખરસાણે જણાવ્યું હતું કે એગ્રેસિવ સર્વેક્ષણ અને ટેસ્ટિંગ શરૂ કરાયું હોવાથી દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.