કોરોના મહામારીની પ્રારંભ પછીથી અત્યાર સુધી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ એક લાખ લોકોની ધરપકડ થઈ છે. અમદાવાદ શહેરના પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ 1,00,090 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું, માસ્ક ન પહેરવા, કર્ફ્યુના કલાકો દરમિયાન બહાર ફરવું, લોકડાઉનના સમયે બહાર નીકળવું વગેરે પ્રવૃત્તિઓને કારણે સજા કરવામાં આવી છે. આ આંકડો 24 જૂન, 2020થી 3 ડિસેમ્બર, 2021 સુધીનો છે. આંકડા પરથી કહી શકાય કે કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી દરરોજ સરેરાશ 191 લોકોની ધરપકડ થઈ છે..

એક પોલીસ અધિકારી જણાવે છે કે, અમે કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ 91,031 કેસ દાખલ કર્યા છે, જેમાં સરકારી આદેશોની અવગણના કરવી, જાણીજોઈને અથવા અજાણ્યામાં સંક્રમણ ફેલાવવું, ગેરકાયદેસર રીતે એકત્રિત થવું વગેરેને સમાવેશ થાય છે. અમુક કેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મોટાભાગના લોકોની ધરપકડ કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા બદલ અથવા સોશિયલ-ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરવા બદલ કરવામાં આવી છે.