ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે. મંગળવારે રાજયમાં દર 30 મીનીટે નવા 19 કેસ તથા એક દર્દીનું મોત થયુ હોવાથી રાજય સરકાર ધ્રુજી ઉઠી છે. આજે કેબીનેટ બેઠકમાં તેની વિસ્તૃત ચર્ચા થવાની શકયતા છે.ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા 6245 થઈ છે. મંગળવારે એક દિવસમાં સૌથી વધુ 441 કેસ તથા 49 મોત થયા હતા. અત્યાર સુધી ચોવીસ કલાકના ગાળામાં આટલા કેસ કે મોત નોંધાયા નથી.
અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. મંગળવારના કુલ કેસમાંથી 79 ટકા અર્થાત 349 કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા હતા. 79 ટકા મોત પણ અમદાવાદમાં હતા. ચાલુ મે મહિનાના પાંચ દિવસમાં જ અમદાવાદમાં નવા 1399 કેસ નોંધાયા છે અને 124 મોત થયા છે. અર્થાત દર કલાકે 11 કેસ અને એક મોત થયા છે. પાંચ દિવસમાં દરરોજ 40 ટકાની રફતારથી કેસ વધી રહ્યા છે.
રાજયમાં નવા કેસ તથા મૃત્યુઆંક સૌથી મોટો રહેવાની સાથોસાથ સાજા થઈને ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા પણ સૌથી વધુ છે. 186 લોકોને ડીસ્ચાર્જ કરાયા હતા. રિકવરી રેટ 133 ટકા વધ્યો છે. દસ દિવસ પુર્વે રિકવરી રેટ 9.48 ટકા હતો તે વધીને 133 ટકા થયો છે.
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજયોમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને રહ્યું છે. રાજયમાં કોરોના કેસની સંખ્યા 4000 થી 5000 અને 5000 થી 6000 પહોંચવામાં ત્રણ દિવસ થયા હતા. 2000 થી 3000 તથા 3000 થી 4000 સુધી આંકડો પહોંચવામાં ચાર દિવસ થયા હતા. જો કે, કેસની સંખ્યા ડબલ થવામાં 10 દિવસ લાગ્યા છે.
દરમ્યાન 6000 થી વધુ કેસ ધરાવતુ ગુજરાત દેશનુ બીજુ રાજય છે. ગુજરાતમાં હવે અમરેલીને બાદ કરતા અન્ય તમામ 32 જીલ્લાઓમાં કેસ નોંધાઈ ચુકયા છે. અત્યાર સુધી કોરોના મુક્ત રહેલા જુનાગઢ તથા દેવભૂમિ દ્વારકામાં છેલ્લા દિવસોમાં પોઝીટીવ કેસ નોંધાઈ ચુકયા છે. હવે એકમાત્ર અમરેલી કોરોના મુક્ત છે. જો કે રાજય સરકારે આંતર જીલ્લા હેરફેરની છુટ્ટ આપી છે. સુરતમાંથી સેંકડો લોકો અમરેલી આવશે એટલે જીલ્લામાં પણ જોખમ સર્જાવાની આશંકા છે.
રાજયમાં મંગળવારે એક જ દિવસમાં 49 લોકોએ કોરોનાથી જાન ગુમાવ્યા છે. નવા કેસનો ડબલીંગ રેટ 10 દિવસ છે. પરંતુ મોતનો ડબલીંગ રેટ સાત દિવસનો માલુમ પડયો છે. સાત દિવસમાં મોત બમણા થયા છે. અમદાવાદમાં 29 એપ્રિલે મૃત્યુઆંક 135 હતો તે ગઈકાલે 269 થયો હતો.