ભારતમાં એક મહિના બાદ પ્રથમ વખત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા નવ લાખથી નીચે ગઈ છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસ કુલ કેસના 12.94 ટકા છે. આરોગ્ય મંત્રાલયના ગુરુવાર, 9 ઓક્ટોબર 2020ના સવારે આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 70,496 નવા કેસ સાથે દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 69 લાખને પાર કરી ગઈ છે.
દેશમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને આશરે 1.06 લાખ થયો છે, છેલ્લાં 24 કલાકમાં 964 લોકોના મોત થયા હતા. કોરોનામાંથી રિકવર થયેલા લોકોની સંખ્યા પણ વધીને 59.06 લાખ થઈ છે, તેથી રિકવરી રેટ 85.52 ટકા થયો છે. દેશમાં હાલ એક્ટિવકેસની સંખ્યા આશરે 8.93 લાખ છે. ICMRના ડેટા અનુસાર આઠ ઓક્ટોબર સુધીમાં 8.46 કરોડ લોકોના કોરોના ટેસ્ટ થયા છે.