ભારતમાં કોરોના વાઇરસ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશમાં રવિવારે કોરોના વાઇરસના નવા 93,249 કેસ નોંધાયા હતા, જે 19 સપ્ટેમ્બર પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 1,24,85,509 થઈ હતી. દેશમાં એક દિવસમાં 513 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,64,623 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જણાવ્યું હતું.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 25માં દિવસે વધીને 6,91,597 થઈ હતી, જે કુલ કેસના આશરે 5.54 ટકા થાય છે. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 93.14 ટકા થયો હતો. દેશમાં 12 ફેબ્રુઆરી 2021ના રોજ એક્ટિવ કેસની સંખ્યા સૌથી નીચી હતી.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,16,29,289 થયા હતા. કોરોનાનો મૃત્યુદર 1.32 ટકા થયો હતો.
દેશમાં થયેલા કુલ 513 મોતથી મહારાષ્ટ્રમાં 277, પંજાબમાં 49, છત્તીસગઢમાં 36, કર્ણાટકમાં 19, મધ્યપ્રદેશમાં 15, ઉત્તરપ્રદેશમાં 14, તમિલનાડુમાં 14, ગુજરાતમાં 13, કેરળમાં 12 વ્યક્તિના મોત થયા હતા.
દેશમાં 17 સપ્ટેમ્બર 2020ના રોજ એક દિવસમાં સર્વાધિક 97,000 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 4 નવેમ્બરના રોજ સૌથી વધુ 702 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા એક દિવસમાં બ્રાઝિલમાં 69,662 અને અમેરિકામાં 69,986 નવા કેસ સામે આવ્યા હતા.