NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI3_28_2021_0010100001)

ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં નવા 68,020 કેસ સાથે કુલ આંકડો પ્રથમ વખત 12 મિલિયનને વટાવી ગયો હતો. દેશનો આ આંક અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધુ છે. એક દિવસમાં 68,020નો આંકડો છેલ્લા 169 દિવસમાં સૌથી મોટો છે. અગાઉ ગયા વર્ષે 10 ઓક્ટોબરે 74,418 કેસ નોંધાયા હતા. દેશમાં નોંધાયેલા કુલ કેસમાં 84.5 ટકા કેસ આઠ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ, તમિલનાડુ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.

દેશના કુલ નવા કેસમાંથી 80.17 ટકા કેસ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધી 6.05 કરોડ વેક્સીન ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત 19માં દિવસે વધીને 5,21,808 થઈ હતી, જે કુલ કેસના 4.33 ટકા થાય છે. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.32 ટકા થયો હતો. દેશમાં એક દિવસમાં 68,020 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને 1,20,39,644 થઈ હતી. તેમાંથી લગભગ 1.13 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. નવા 291 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,61,843 થયો હતો.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની તૈયારી કરવાની રવિવારે સૂચના આપી હતી. મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 40,414 કેસો નોંધાયા હતા અને 108 લોકોના મોત નીપજ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 27,13,857 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, જ્યારે 54,181 લોકો જીવ ગુમાવી બેઠા છે. અહીં સક્રિય કેસનો આંકડો પણ વધીને 3,25,901 સુધી પહોંચી ગયો હતો. શનિવારે પણ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 35,726 નવા કેસ સામે આવ્યા હતા.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાયા હતા. એક દિવસમાં 6,923 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે આઠ દર્દીઓના મોત થયા હતા. મુંબઇમાં કુલ કેસનો આંકડો વધીને 3,98,674 સુધી પહોંચ્યો છે. અહીંનો કુલ મૃત્યુઆંક 11,649 છે. કર્ણાટકમાં 3,082, પંજાબમાં 2,870, મધ્યપ્રદેશમાં 2,276, ગુજરાતમાં 2,270, કેરળમાં 2,216, તમિલનાડુમાં 2,194 અને છત્તીસગઢમાં 2,153 નવા કેસ નોંધાયા હતા.
વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 12.55 કરોડ થયા હતા અને મૃત્યુઆંક વધીને 27.56 લાખ થયો હતો.

NEW DELHI: COVID-19-INDIA-VACCINATION
: PTI GRAPHICS(PTI3_28_2021_0010100003)