દેશમાં કોરોનાના વાઇરસના નવા 59,117 નવા કોરોના કેસ નોંધાયા હતા, જે 159 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં વધુ 257 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,60,949 થયો હતો. દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી મહારાષ્ટ્રમાં 35,952 નવા કેસ નોંધાયા હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3 લાખને પાર ગયાના માત્ર 5 દિવસમાં ગુરુવારે કુલ આંકડો 4 લાખને પાર થઈ ગયો હતો, અત્યાર સુધીમાં આ વખતે એક્ટિવ કેસનો આંકડો દેશમાં સૌથી ઝડપથી વધ્યો છે, ભારતમાં કોરોનાની મહામારી આવી તે પછી આવું પહેલીવાર બન્યું છે. એક્ટિવ કેસની સંખ્યા સતત 16માં દિવસે વધીને 4,21,066 થઈ હતી, જે કુલ કેસના 3.55 ટકા છે. કોરોનાનો રિકવરી રેટ ઘટીને 95.09 ટકા થયો હતો.
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસના આંકડામાં પાછલા 2 દિવસમાં 52,000 કરતા વધુનો વધારો નોંધાયો હતો. જેમાં બુધવારે એક જ દિવસમાં 26,400થી વધારે એક્ટિવ કેસ ઉમેરાયા હતા. આ પહેલા 9 લાખ એક્ટિવ કેસથી 10 લાખ પર આંકડો પહોંચતા 6 દિવસનો સમય લાગ્યો હતો. જે પાછલા વર્ષે સપ્ટેમ્બરના મધ્યમાં બન્યું હતું.
દેશમાં એક દિવસમાં થયેલા કુલ 257 મોતમાંથી મહારાષ્ટ્રમાં 111, પંજાબમાં 43, છત્તીસગઢમાં 15, કેરળમાં 12, તમિલનાડુમાં 11 અને કર્ણાટકમાં 10 મોત થયા હતા.
દેશમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, દેશમાં 10 માર્ચના રોજ 18,379 કેસ નોંધાયા હતા જ્યારે 25 માર્ચના રોજ એક દિવસમાં 47,439 કેસ નોંધાયા હતા. પહેલા લહેર દરમિયાન જે રીતે કોરોનાના કેસ વધતા હતા તેના કરતા ઝડપથી બીજી લહેરમાં વધી રહ્યા છે. ગયા વર્ષે 29 જૂનના રોજ 18,280 કેસ નોંધાયા બાદ છેક 27 જુલાઈએ કેસ 46,760 પર પહોંચ્યા હતા, એટલે કે કેસ ડબલ થતાં 28 દિવસનો સમય લાગતો હતો. જોકે, સારી બાબત એ છે કે પાછલા સમયમાં કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ ઊંચો હતો જેની સરખામણીમાં હાલ સ્થિતિ સારી છે.