મહારાષ્ટ્રમાં પ્રથમ વખત શનિવારે ઓમિક્રોનના બી.એ સબ- લિનિયેજના કેસો નોંધાયા છે. રાજ્યમાં B.A. 4 વેરિયન્ટના ચાર દર્દી અને B.A. 5 વેરિયન્ટના ત્રણ દર્દી મળી આવ્યા છે. આ તમામ દર્દીઓમાં હળવા લક્ષણો છે અને ઘરમાંથી જ તેમની સારવાર કરવામાં આવી રહી છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે શનિવારે જણાવ્યું હતું.
ઓમિક્રોનના સબ લિનિયેજના કેટલાંક કેસો સાઉથ આફ્રિકા સહિતના વિશ્વના કેટલાંક દેશોમાં એપ્રિલમાં નોંધાયા હતા, પરંતુ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આવા કોઇ કેસો નોંધાયા ન હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા હોલ જિનોમ સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું અને તેના તારણોને ફરિદાબાદ ખાતેની ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટરે પુષ્ટી આપી હતી. પૂણેના આ તમામ સાત દર્દીઓમા ઓમિક્રોના સબ- લિનિયેજને પુષ્ટી મળી છે. ચાર દર્દીમમાં B.A. 4 વેરિયન્ટ છે, જ્યારે બીજા દર્દીઓને B.A. 5નો ચેપ લાગ્યો છે. ચાર દર્દીની ઉંમર 50 વર્ષથી વધુ છે, જ્યારે બે દર્દીની ઉંમર 20થી 40 વર્ષ છે. એક દર્દી નવ વર્ષનું બાળક છે. પુખ્ય વયના તમામ છ દર્દીએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા.
દેશમાં કોરોનાના નવા 2,685 કેસ નોંધાયા, 33ના મોત
દેશમાં શનિવારે કોરોનાના નવા 2,685 કેસ નોંધાયા હતા અને 33ના મોત થયા હતા. આની સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4.31 કરોડ થઈ હતી, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 5.24 લાખ થયો હતો. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 16,308 છે, જે કુલ કેસના 0.04 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.75 ટકા રહ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યામાં 494નો વધારો થયો હતો.