વિશ્વ કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોનના પુનઃસંયોજનથી ઉદભવેલા નવા વેરિયન્ટ્સના કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે અગ્રણી વાઇરોલોજિસ્ટે જણાવ્યું છે કે હાલમાં ગભરાટ કરવાની કોઇ જરૂર નથી. ઓમિક્રોનની સરખામણીમાં આવા રિકોમ્બિનેશન વેરિયન્ટ વધુ જોખમી હોય તેવા હાલમાં કોઇ સંકેત નથી.
CSIR ઇન્સ્ટીટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીના વૈજ્ઞાનિક વિનોદ સ્કેરિયાએ મંગળવારે ટ્વીટર પર જણાવ્યું હતું કે વિશ્વભરમાંથી વધુ જિનોમ્સ નોંધાયા હોવાથી વધુ ડેટાની રાહ જોવામાં આવી રહી છે. સાર્સ-કોવ-2ના રિકોમ્બિનેશન વેરિયન્ટ્સ ઇન્ફ્લૂએન્ઝા સરખામણીમાં ઓછા હોય છે. કોરોના મહામારીના અનેક રિકોમ્બિનેશન જોવા મળ્યા છે. અગાઉના આવા સ્વરૂપોમાં XA (UK અને ભારત), XB (US) અને જાપાનમાં XC (આલ્ફા-ડેલ્ટા)નો સમાવેશ થાય છે.
11 ફેબ્રુઆરીએ બ્રિટનને સાર્સ-કોવ-2ના ડેલ્ટા-ઓમિક્રોન રિકોમ્બિનન્ટ વેરિયન્ટને દેખરેખ અને તપાસની કેટેગરીમાં મૂક્યો હતો. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં ડેલ્ટા-ઓમિક્રોનના રિકોમ્બિનન્ટના વધારાના ક્લસ્ટર્સ નોંધાયા હતા. અમેરિકામાં બીજા સાત રિકોમ્બિનન્ટ નોંધાયા છે.