ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધુ 3 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા હવે 10 પર પહોંચી ગઈ હતી. જામનગરના ત્રણ, સુરત અને વડોદરામાં બે-બે અને ગાંધીનગર, મહેસાણા અને આણંદમાં એક-એકનો સમાવેશ થાય છે. જામનગરમાં ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી હતી.
દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટની અમદાવાદમાં પણ એન્ટ્રી થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ મૂળ આણંદના 48 વર્ષીય વ્યક્તિમાં નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે, આ દર્દી લંડનથી દુબઈનો પ્રવાસ કરીને અમદાવાદ આવ્યા હતા.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને આણંદ શહેરની હદમાં નવા 3 કેસ નોંધાયા હતા. આ 3 કેસની સાથે જ ઓમિક્રોન કેસની સંખ્યાનો આંકડો 10 પર પહોંચ્યો હતો. શુક્રવારે 17 ડિસેમ્બરે વડોદરામાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના ત્રણેય દર્દીઓને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓમિક્રોનનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો. જ્યાં 72 વર્ષીય વૃદ્ધ ઝિમ્બાવવેથી પરત ફર્યા બાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટ્રાવેલ હિસ્ટ્રી હોવાથી તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા. જેમાં તેમને ઓમિક્રોનનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ સંપર્કમાં આવેલા પત્ની અને સાળાને પણ ઓમિક્રોનનો ચેપ લાગ્યો હતો. જો કે, હવે ત્રણેય દર્દી સ્વસ્થ થઈ ગયા છે.