(istockphoto.com)

કોરોના મહામારી સામેની લડાઇના એક મોટા ન્યૂઝમાં ફાઇઝર ઇન્કે સોમવારે જણાવ્યું હતું કે તેની વેક્સિન કોવિડ-19ને રોકવામાં 90 ટકા કરતાં વધુ અસરકારક છે. કંપનીએ તેના અભ્યાસના પ્રારંભિક ડેટાના આધારે આ દાવો કર્યો છે. ફાઇઝરની આ વેક્સિન સંપૂર્ણપણે સફળ થશે તો તે વિશ્વમાં એક મિલિયન લોકોના માટે જવાબદાર કોરોના મહામારી સામેના લડાઇમાં મોટી જીત હશે.

ફાઇઝર અને જર્મન ભાગીદાર બાયોએનટેક્સ કોરોના વેક્સિનના મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલના સફળ ડેટા જાહેર કરવાની પ્રથમ ફાર્મા કંપનીઓ છે. બંને કંપનીઓએ જણાવ્યું હતું કે આ વેક્સિનથી આરોગ્ય સામે ગંભીર આડઅસર કરતી હોય તેવા કોઇ પુરાવા મળ્યા નથી અને આ મહિનાના અંત ભાગમાં અમેરિકામાં ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગશે.
ફાઇઝરના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ આલ્બર્ટ બુર્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિજ્ઞાન અને માનવતા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. વિશ્વને સૌથી વધુ જરૂર છે ત્યારે વેક્સિન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં અમે આ મહત્ત્વનો સિમાચિહ્ન હાંસલ કર્યો છે. ફાઇઝર 16થી 85ની ઉંમરના લોકોમાં વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માંગવા માગે છે.