કોરોના મહામારીના બે વર્ષ પછી સરકારે 31 માર્ચથી ફેસ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ સિવાયના કોરોના સંબંધિત તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસોમાં તીવ્ર ઘટાડાને પગલે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જારી કરાયેલા આદેશો અને ગાઈડલાઈન્સ દૂર કરવાની સલાહ આપી છે.
કેન્દ્ર સરકારે સો પ્રથમ વખત 24 માર્ચ 2020ના રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કોરોનાને અંકુશમાં લેવા માટે આદેશો અને માર્ગરેખાઓ જારી કરી હતી. તેમાં વખતોવખત સુધારા વધારા થયા હતા.
તમામ રાજ્યના મુખ્ય સચિવોને આપેલી માહિતીમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું હતું કે છેલ્લાં 24 મહિનામાં કોરોનાનો સામનો કરવા માટે નોંધપાત્ર ક્ષમતા ઊભી કરવામાં આવી છે, જેમાં ડાયગ્નોસ્ટિક, સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, વેક્સિનેશન, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાહેર જનતામાં કોરોનાથી બચવાના પગલાં અંગે જાગૃતિનું પ્રમાણ વધ્યું છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ પોતાની ક્ષમતા અને વ્યવસ્થાતંત્ર વિકસિત કર્યું છે અને તેનો વિગતવાર અમલ કર્યો છે. છેલ્લા સાત સપ્તાહથી કોરોનાના કેસોમાં તીવ્ર ઘટાડો થયો છે.
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 22 માર્ચના રોજ માત્ર 23,913 રહી હતી અને ડેઇલી પોઝિટિવિટી રેટ ઘટીને 0.28 ટકા થયો છે. દેશમાં અત્યાર સુધી કુલ 181.56 કરોડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયના પત્રમાં જણાવાયું છે કે મહામારીની સ્થિતિમાં એકંદરે સુધારો અને તેનો સામનો કરવાની સરકારની તૈયારીને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે કે કોરોનાને અંકુશમાં લેવા માટે ડીએમ એક્ટની જોગવાઈનો ઉપયોગ કરવાની વધુ જરૂર નથી. તેથી 31 માર્ચે હાલના આદેશનો સમય પૂરો થયા બાદ ગૃહ મંત્રાલય વધુ આદેશ જારી કરશે નહીં. જોકે ફેસ માસ્ક અને હેન્ડ હાઇજિન સહિત કોરોના નિયંત્રણ પગલાં અંગે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની હાલની એડવાઈઝરી અમલી રહેશે.
ગૃહ સચિવે જણાવ્યું હતું કે આ મહામારીના સ્વરૂપોને ધ્યાનમાં રાખે લોકોએ સ્થિતિ અંગે હજુ પણ સાવધ રહેવું જોઇએ. જો કેસોની સંખ્યામાં ઉછાળો આવે તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સ્થાનિક સ્તરે તાકીદે પગલાં લેવાની વિચારણા કરી શકે છે.