કોવિડ-19 રોગચાળાના કારણે લાદવામાં આવેલા લૉકડાઉન અને મહિનાઓના એકાંતને કારણે અન્ય લોકોની સાથે ગુજરાતી સમુદાયના લોકો પણ ચિંતા, હતાશા અને બીજી ઘણી માનસિક આરોગ્ય બિમારીઓનો ભોગ બની રહ્યા છે ત્યારે બ્રિટનના 35 જેટલા મંદિરો અને હિન્દુ – જૈન સમાજીક સંગઠનો દ્વારા માનસિક આરોગ્ય અંગે નિષ્ણાંત સાયકોલોજીસ્ટ્સ અને ડોક્ટરો દ્વારા સમજ અને માર્ગદર્શન આપતા ‘કોપીંગ ટુગેધર’ કાર્યક્રમનું આયોજન ઝૂમ, ફેસબુક અને યુટ્યુબ પર મંગળવાર તા. 26 જાન્યુઆરી 2021ના રોજ રાત્રે 8 કલાકે કરવામાં આવ્યું છે.

સાઉથ એશિયન સમુદાયોના લોકો દ્વારા માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓની વાત આવે ત્યારે મૌન અને શરમ ધારણ કરવામાં આવે છે. આ વિષય હજી પણ ઘણા લોકો માટે વર્જિત છે. લોકોમાં જાગૃતિ અને બીમારીની સમજનો સ્પષ્ટ અભાવ છે. જેને કારણે ભય અને અંધશ્રદ્ધાઓ જન્મે છે. આ મૌન તોડવામાં સહાય માટે ‘કોપીંગ ટૂગેધર’ કાર્યક્રમમાં જે લોકો ફ્રન્ટલાઈન પર રહ્યા પછી માનસિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે તેવા લોકોના કેસ સ્ટડીઝ રજૂ થશે અને બ્રિટિશ ગુજરાતી સમુદાયને અસર કરતી મહત્વપૂર્ણ લાઇફ સ્કીલ બાબતો અંગે થોડાક ઇંગ્લીશ સાથે મુખ્યત્વે ગુજરાતીમાં માર્ગદર્શન આપવામાં આવશે. નિષ્ણાતો અમુક સમસ્યાઓનો ઉપાય બતાવી જરૂર હોય ત્યાં ટેકો અને વ્યાવસાયિક મદદ મેળવવા માર્ગદર્શન પણ આપશે.

આ કાર્યક્રમમાં ભારતના ગણતંત્ર દિનની ઉજવણીને લક્ષમાં રાખીને લોકપ્રિય ગાયક મરિના અને મેલોડી એક્સપ્રેસના વિશેષ ગીત-સંગીત કાર્યક્રમનો પણ લાભ આપશે. વધુ માહિતી માટે સંપર્ક: જીતેશ સામાણી mailto:[email protected] અથવા 07958 442 746. ઝૂમ આઈડી: 882 1748 9010. પાસકોડ: mh2021 અને ફેસબુક લાઇવ માટે MelodyExpressUK