એંજલ ડી મારિયાના જબરજસ્ત ગોલ સાથે આર્જેન્ટીનાએ રવિવારે કોપા અમેરિકાની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બ્રાઝિલને ૧-૦થી હરાવીને ૨૮ વર્ષે કોપા અમેરિકા ફૂટબોલનો તાજ ધારણ કર્યો હતો. નેમાર સહિતની બ્રાઝિલની હાઈપ્રોફાઈલ ટીમને ઘરઆંગણે હરાવી આર્જેન્ટીનાના સુપરસ્ટાર મેસીએ કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ મેજર ટુર્નામેન્ટ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે આર્જેન્ટીનાએ રેકોર્ડ ૧૫મી વખત કોપા અમેરિકા ચેમ્પિયનશિપમાં વિજય મેળવી ઉરૃગ્વેના રેકોર્ડની બરોબરી કરી છે.
રીયો ડી જેનેરોમાં સાઉથ અમેરિકાના બે કટ્ટર હરિફો વચ્ચેના મુકાબલામાં ફૂટબોલની ક્લાસિક રમત જોવા મળી હતી. મેચની ૨૨મી મિનિટે આર્જેન્ટીનાએ કાઉન્ટર એટેક કર્યો હતો અને એંજલ ડી મારિયાએ આગળ આવી ચૂકેલા બ્રાઝિલિયન ગોલકિપર એન્ડરસનની ઉપરથી બોલ લોબ કરી દીધો હતો અને તે ઓપન ગોલપોસ્ટમાં પ્રવેશ્યો હતો. આર્જેન્ટીનાએ આ સાથે ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી, જે આખર સુધી ટકી રહી હતી. મેસીએ તેની ૧૬ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પહેલી વખત મેજર ટાઈટલ હાંસલ કર્યું હતું.
આર્જેન્ટીનાના સુપરસ્ટાર મેસીને કોપા અમેરિકાનો બેસ્ટ પ્લેયર જાહેર કરાયો હતો. મેસી અને કોલંબિયાના લુઈસ ડિયાઝને ટુર્નામેન્ટમાં ચાર-ચાર ગોલ કરવા બદલ ગોલ્ડન બૂટ એવોર્ડ સંયુક્તપણે એનાયત કરાયું હતું. આર્જેન્ટીનાના એમિલિનો માટિેનેઝને બેસ્ટ ગોલકિપર જાહેર કરાયો હતો. આંતરરાષ્ટ્રીય ફૂટબોલના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં ટોચનું સ્થાન ધરાવતા મેસીએ કલબ કક્ષાએ અનેક સિદ્ધિઓ મેળવી છે. જોકે, તેની ૧૬ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ પહેલી વખત તેને ટ્રોફી જીતવામાં સફળતા મળી છે. મેસીની હાજરીમાં આર્જેન્ટીના ત્રણ વખત કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હાર્યું હતુ. નેમાર અને તેની ટીમ આંચકાજનક હાર બાદ ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી હતી.