G20 લોગોમાં કમળના સમાવેશના મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે ભાજપ સરકાર સામે પ્રહાર કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે ભાજપના ચૂંટણી પ્રતીકનો ઉપયોગ ચોંકાવનારું છે. અમે અત્યાર સુધીમાં જાણી ચુક્યા છીએ કે મોદી અને ભાજપ બેશરમ રીતે પોતાનો પ્રચાર કરવાની કોઈ તક ગુમાવશે નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20નો લોગો, થીમ અને વેબસાઈટનું અનાવરણ કર્યાના એક દિવસ બાદ કોંગ્રેસે આ હુમલો કર્યો છે. ભારત એક વર્ષ માટે G20નું પ્રમુખ બની રહ્યું છે તેથી સરકારે તેનો લોગો અને થીમ જારી કરી છે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, G20 લોગો ભારતના રાષ્ટ્રધ્વજના વાઇબ્રન્ટ રંગો કેસરી, સફેદ અને લીલો અને વાદળીમાંથી પ્રેરિત છે. તે આપણા ગ્રહ પૃથ્વીને કમળ સાથે જોડે છે. કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે, જે પડકારો વચ્ચે વૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.
લોગોના અનાવરણ પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે, “70 વર્ષ અગાઉ નહેરુએ કોંગ્રેસના ધ્વજને ભારતનો ધ્વજ બનાવવાની દરખાસ્તને ફગાવી દીધી હતી. હવે G20ના પ્રમુખપદ દરમિયાન ભાજપનું ચૂંટણી ચિહ્ન ભારતનો સત્તાવાર લોગો બની ગયો છે. તે ચોંકાવનારું છે. અમે અત્યાર સુધીમાં જાણી ચુક્યા છીએ કે મોદી અને ભાજપ બેશરમ રીતે પોતાનો પ્રચાર કરવાની કોઈ તક ગુમાવશે નહીં
ભારત 1 ડિસેમ્બરે વર્તમાન અધ્યક્ષ ઇન્ડોનેશિયા પાસેથી આ શક્તિશાળી વૈશ્વિક ફોરમનું પ્રમુખપદ સંભાળશે. G20 એ વિશ્વના અગ્રણી વિકસિત અને વિકાસશીલ અર્થતંત્રોનું સરકારી મંચ છે.
G20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીયનનો સમાવેશ થાય છે.