Karur, May 26 (ANI): IT અધિકારીઓએ શુક્રવારે કરુરમાં તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજી સાથે કથિત સંબંધો ધરાવતા સરકારી કોન્ટ્રાક્ટરના ઘરે દરોડા પાડ્યા હતા. . (ANI Photo)

કેશ ફોર જોબ્સ કૌભાંડમાં ઇડીએ ધરપકડ કર્યાના થોડા દિવસમાં તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ ગુરુવારે મંત્રી વી સેંથિલ બાલાજીને કેબિનેટમાંથી બરતરફ કર્યા હતાં. જોકે મુખ્યપ્રધાનની ભલામણ વગરે રાજ્યપાલે લીધેલા આ પગલાંથી વિવાદ થયો હતો અને તેનાથી રાજ્યપાલે પોતાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

રાજ્યના સીએમ એમ કે સ્ટાલિને આ નિર્ણય સામે કાનૂની લડત આપવાની જાહેરાત કરી હતી.સત્તાવાર યાદીમાં રાજ ભવને જણાવ્યું હતું કે એવી વાજબી આશંકા છે કે કેબિનેટમાં વી સેંથિલ બાલાજીને ચાલુ રાખવાથી ન્યાયી તપાસ સહિતની કાયદાની યોગ્ય પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડશે. તેનાથી રાજ્યના બંધારણીય માળખાને પણ અસર થઈ શકે છે. સેંથિલ બાલાજી કેશ ફોર જોબ્સ કૌભાંડ અને મની લોન્ડરિંગ સહિત ભ્રષ્ટાચારના અસંખ્ય કેસોમાં ગંભીર ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. મંત્રી તરીકેના તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને તેઓ તપાસને પ્રભાવિત કરી રહ્યા છે તથા કાયદા અને ન્યાયની યોગ્ય પ્રક્રિયાને અવરોધે છે.

રાજ્યપાલના આ પગલાંની તીખી પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને જણાવ્યું હતું કે રાજ્યપાલ રવિને કેબિનેટમાંથી મંત્રીને બરતરફ કરવાનો કોઈ અધિકાર નથી. ડાબેરી પક્ષો સહિત સાથી પક્ષોએ પણ ડીએમકેને સમર્થન આપ્યું હતું તથા રાજ્યપાલની કાર્યવાહીની નિંદા કરી હતી.

ઇડીએ 14 જૂને બાલાજીની ધરપકડ કરી હતી અને હાલમાં જેલમાં બંધ છે. સરકારે તેમના પોર્ટફોલિયો વગરના પ્રધાન તરીકે જાળવી રાખ્યાં હતાં.

રાજકીય વિશ્લેષક દુરાઈ કરુણાએ જણાવ્યું હતું કે પ્રધાનોને કેબિનેટમાં સામેલ કરવા અથવા તેમને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવાનો મુખ્યપ્રધાનનો વિશિષ્ટ વિશેષાધિકાર છે. છેલ્લા લગભગ 4-5 દાયકાઓમાં કોઇ રાજ્યપાલે મુખ્યમંત્રીની ભલામણ વિના કોઈ મંત્રીને કેબિનેટમાંથી હટાવ્યાં હોય તેવું જોવા કે સાંભળવા મળ્યું નથી.

LEAVE A REPLY