અમેરિકન સત્તાધિશો મેક્સિકો બોર્ડર પર આશ્રયની માગણી કરી રહેલા 50 સિખ લોકોની અટકાયત કરીને તેમની પાઘડી જપ્ત કરવાના મામલાની તપાસ કરી રહ્યા છે.
આ વિવાદ અંગે માનવાધિકાર કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો કે, બોર્ડર પેટ્રોલ એજન્ટોએ સિખ માઇગ્રન્ટ્સની પાઘડી આંચકી લીધી હતી. તેમના આ દાવા પછી તે મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ના કમિશ્નર ક્રિસ મેગ્નસે મીડિયાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે આ પ્રકારના આરોપોને ખૂબ જ ગંભીરતાથી લઇ રહ્યા છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમને આશા છે કે, સીબીપીના કર્મચારીઓ તમામ ઇમિગ્રન્ટ્સ સાથે સારો વ્યવહાર કરશે. આ મામલાના નિવારણ માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને સીબીપી કમિશ્નરને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.
કમિશ્નર મેગ્નસને મોકલેલા પત્રમાં એસીએલયુએ આ વર્તણૂકને ગંભીર ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન થયું હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન એરિઝોનાના એસીયુએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાઘડીનો સુરક્ષા સાથે શું સંબંધ છે, આ અંગે કોઇ યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી નથી.