ભારત જોડો યાત્રા દરમિયાન મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વીર સાવરકર સામે નવેસરથી પ્રહાર કરીને મોટો વિવાદ ઊભો કર્યો હતો.કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે સાવરકર બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને ડરના કારણે દયાની અરજી લખી હતી. સ્વાતંત્ર્ય સેનાની અંગેની આવી ટીપ્પણીની શિવસેનાના બંને જૂથો અને ભાજપે આકરી નિંદા કરી હતી.
સાવરકરના પૌત્રે રણજિતે ગુરુવારે મુંબઈમાં શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ તેમના દાદાનું “અપમાન” કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે માગણી કરી હતી કે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોળે પર પણ આ જ પ્રકારના નિવેદનો કરવા બદલ કેસ નોંધવો જોઈએ.
હજુ માત્ર બે દિવસ પહેલા જ તેમણે આ સ્વાતંત્ર્ય સેનાનીને ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું પ્રતીક ગણાવ્યા હતા.અકોલા જિલ્લાના વાડેગાંવ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાહુલ ગાંધીએ 1920ના સમયના દસ્તાવેજો મીડિયાને બતાવ્યા હતા અને દાવો કર્યો કે તેમાં સાવરકર દ્વારા અંગ્રેજોને લખાયેલો પત્ર છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે “હું છેલ્લી પંક્તિ વાંચીશ, જે કહે છે કે ‘હું તમારા સૌથી આજ્ઞાંકિત સેવક રહેવાની વિનંતી કરું છું’ અને વી ડી સાવરકરની સહી છે, જે દર્શાવે છે કે તેમણે અંગ્રેજોને મદદ કરી હતી.” તેમણે દાવો કર્યો હતો કે તેઓ માને છે કે સાવરકરે ડરને કારણે પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા અને આમ કરીને તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ અને સ્વતંત્રતા સંગ્રામના અન્ય નેતાઓ સાથે દગો કર્યો હતો. ગાંધી, નેહરુ, પટેલ વર્ષો સુધી જેલમાં હતા, પરંતુ તેમાંથી કોઈએ આવા કોઈ પત્ર પર સહી કરી ન હતી.રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર સરકારને પણ પડકાર ફેંક્યો હતો કે જો યાત્રા રોકવા માગતી હોય તો પ્રયાસ કરીને રોકી બતાવે.
રાહુલ ગાંધીની આવી ટીપ્પણીની ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડનવીસે ટીકા કરી હતી. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ મંગળવારે સાવરકર પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીથી સંમત નથી. તેમની પાર્ટી સ્વતંત્રતા સેનાની માટે અપાર સન્માન ધરાવે છે. દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સાવરકર વિશે બેશરમીથી જૂઠું બોલે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ સાવરકર વિશેની ટિપ્પણીઓને લઈને કોંગ્રેસના નેતા પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે રાજ્યના લોકો સાવરકરના અપમાનને સહન કરશે નહીં. શિંદે જૂથના લોકસભાના સભ્ય રાહુલ શેવાળે માગણી કરી હતી કે રાજ્યમાં ભારત જોડો યાત્રાને અટકાવી દેવી જોઇએ.
રાહુલ ગાંધીના નિવેદનોએ ગુરુવારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઉગ્ર દેખાવો થયા હતા. શિંદેની આગેવાની હેઠળના સેના જૂથના સેંકડો કાર્યકરોએ થાણે ‘જોડા મારો’ વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ નારેબાજી કરી હતી. નાગપુરમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના કાર્યકરોએ રાહુલ ગાંધીના પૂતળાને આગ ચાંપી હતી અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. નાસિકમાં રવિવારે બીજેવાયએમના ઘણા કાર્યકરોએ ગાંધી વિરુદ્ધ ‘જોડા મારો’ આંદોલન કર્યું હતું. પોસ્ટર સળગાવવાના પ્રયાસ કર્યા હતા.