અમેરિકાના ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અખબારમાં માં કાશ્મીર અંગે એક લેખ પ્રકાશિત થતાં વિવાદ ઊભો થયો છે. આ લેખમાં જમ્મુ-કાશ્મીરમાં મીડિયાની સ્વંતત્રતા છીનવી લેવાના આરોપ સાથેનો એક લેખ પ્રકાશિત થયો છે. આ બાબતે ભારત સરકારે અમેરિકન અખબાર સામે શાબ્દિક પ્રહાર કર્યા છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકરે શુક્રવારે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં છપાયેલા લેખને ભેદભાવપૂર્ણ ગણાવીને કહ્યું હતું કે, ‘‘આ અખબારે ભારત અંગે જુઠ્ઠાણાં ફેલાવવાનો પ્રયાસ કરે છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ આ પ્રકારનો લાંબો ઇતિહાસ ધરાવે છે, તેમાં તટસ્થ રહ્યા વગર ભારત અંગે કંઇ પણ બાબતો પ્રકાશિત થતી રહે છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’નો કાશ્મીરમાં મીડિયાની આઝાદી પર પ્રકાશિત કથિત લેખ ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવાનું એક ઉદાહરણ છે.’’
તેમણે વધુમાં કહ્યું કે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’નો લેખ એકમાત્ર એજન્ડા ભારત અંગે પ્રોપેગેન્ડા ફેલાવવો અને દેશના લોકશાહી મૂલ્યો તથા સંસ્થાનોને બદનામ કરવાનો છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ ઉપરાંત અન્ય એવા કેટલાક વિદેશી મીડિયા સંસ્થાન છે, જે ભારત અંગે જૂઠાણભર્યા રીપોર્ટ પ્રકાશિત કરે છે. આ મીડિયા સંસ્થાઓ તરફથી ભારતના ચૂંટાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ જૂઠ ફેલાવવાનું અભિયાન ચલાવવામાં આવે છે. હકીકતમાં ‘કાશ્મીર ટાઇમ્સ’નાં તંત્રી રહી ચૂકેલી અનુરાધા ભસીને ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં આ લેખ લખ્યો છે. અનુરાધા ભસીને પોતાના અખબાર વિરુદ્ધ કરાયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરીને સરકાર સામે મીડિયા પર દમન કરવાનો આરોપ મુક્યો છે.