સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમા . (ANI Photo)

બોટાદમાં આવેલા પ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા નીચે બનાવાવામાં આવેલા ભીંતચિત્રોને મુદ્દે છેલ્લાં બે દિવસથી ગુજરાતમાં મોટો ધાર્મિક વિવાદ ઊભો થયો છે. સનાતન ધર્મના હિંદુ સાધુઓના જણાવ્યા મુજબ ભગવાન હનુમાનજીની મૂર્તિની નીચે દોરવામાં આવેલા ભીંતચિત્રોમાં ભગવાન હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું બાળપણનું નામ)ની સમક્ષ હાથ જોડીને નમન કરતા દર્શાવવામાં આવ્યાં છે.

ભગવાન હનુમાનને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સમક્ષ નમન કરતા દર્શાવવામાં આવતા હિન્દુ ધર્મના લોકો અને સંતોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. હિન્દુ ધર્મના સંતોનું કહેવું છે કે ભગવાન હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કરતાં મોટા છે, તેથી તેમને આવી સ્થિતિમાં બતાવી શકાય નહીં.

હિન્દુ ધાર્મિક નેતાઓ અને કેટલાક સ્થાનિક સંગઠનોએ આ ભીતચિત્રો સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેને તાકીદે દૂર કરવાની માગણી કરી હતી. ધાર્મિક નેતાઓ શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાયની વિરુદ્ધમાં આવી ગયાં હતાં.
અહીં ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં હનુમાન જયંતિની ઉજવણી પર સાળંગપુર હનુમાન મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની બહારના પ્રાંગણમાં ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી હતી.

આ વિવાદ વચ્ચે શનિવારે એક હિન્દુ ભક્તે પોતાનો વિરોધ દર્શાવવા માટે આ ભીંતચિત્રોની તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા હર્ષદ ગઢવી નામના આ વ્યક્તિને પોલીસે ઝડપી લીધો હતો. આ ઘટનાને પગલે સાળંગપુરમાં કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ ફોજ ઉતારવામાં આવી હતી.
રવિવારે સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને આશરે 500 લોકોએ રેલી કાઠી હતી. પોલીસે તેમને રોકી 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ ગયા હતા. આ પછી સાધુઓની બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વામિનારાયણ સંતોએ બે દિવસમાં આ વિવાદનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હોવાનુ માનવામાં આવે છે. આ મુદ્દે જુનાગઢના ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે આ સનાતન ધર્મનો વિજય થયો છે.

 

LEAVE A REPLY