ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ વાતાવરણ ગરમ બન્યું છે. ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અપમાનજક ભાષાનો ઉપયોગ કરતાં કેટલાંક કથિત વીડિયો બહાર આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કથિત અપમાનક ટિપ્પણી મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને 13 ઓક્ટોબરે દિલ્હી પોલીસે અટકાયતમાં લઇ લીધા હતા. આશરે ત્રણ કલાકની પૂછપરછ બાદ તેમને છોડી દેવાયા હતા.
રાષ્ટ્રીય મહિલા પંચ ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવ્યા હતા. એ પછી તેઓ પંચની દિલ્હીની ઓફિસે પહોંચ્યા હતા.પરંતુ મહિલા પંચની ઓફિસમાં પોતાના સમર્થકો સાથે હોબાળો મચાવ્યો હતો. તેથી મહિલા પંચે પોલીસ બોલાવી હતી. અહીંથી દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લઇને પૂછપરછ હાથ ધરી હતી. ઇટાલિયાએ દાવો કર્યો હતો કે મહિલા પંચના વડા રેખા શર્માએ તેમને ધમકાવ્યા હતા અને ખરાબરીતે વર્તન કર્યું હતું.
નરેન્દ્ર મોદી માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ‘નીચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગેનો વિડીયો વાયરલ થયા બાદ ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે નોટિસ આપી હાજર થવા જણાવ્યું હતું. ભાજપે ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિડીયો રિલીઝ કર્યો છે. જેમાં ગોપાલ ઈટાલિયા મોદીના માતા હિરાબા માટે અણછાજતી ટિપ્પણી કરતા સંભળાઈ રહ્યા છે.
ગોપાલ ઈટાલિયાનો આ બીજો વિડીયો પોસ્ટ કરતા ગુજરાત ભાજપે પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘ગુજરાત AAP પ્રદેશ અધ્યક્ષ અને અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલીયાના ‘નીચ’ સંસ્કાર… હિંદુ વિરોધી અને માતા-બહેનો વિશેની નીચ માનસિકતા AAPના લોહીમાં જ છે.’
આ વિડીયોમાં ગોપાલ ઈટાલિયા મોદીના માતાને ‘નાટકબાજ’ કહેતા સંભળાઈ રહ્યા છે. ભાજપના અમિત માલવિયાએ પણ ગોપાલ ઈટાલિયાનો આ વિડીયો શેર કર્યો છે અને લખ્યું કે, ‘કેજરીવાલના નજીકના સાથીદાર આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ગુનાઈત માનસિતા ધરાવે છે. તેમણે લખ્યું છે કે, મહિલાઓ માટે ઘણી વખત અપશબ્દનો ઉપયોગ કરનારા ગોપાલ ઈટાલિયા કથા સાંભળવા અને મંદિરે જનારા લોકોની ટીકા કરે છે અને હવે પીએમ મોદીના વૃદ્ધ માતાને ‘નાટકબાજ’ કહ્યા હતા.