મોદી સરકાર યુપીના ગોરખપુર ખાતેના ગીતા પ્રેસને 2021નો ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરતાં મોટો વિવાદ થયો હતો. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે અહિંસક અને અન્ય ગાંધીવાદી સિદ્ધાંતો દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન તરફના ઉત્કૃષ્ટ યોગદાન માટે 2021 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને એનાયત કરવામાં આવશે.
આ પુરસ્કારમાં ₹1 કરોડની રકમ, એક પ્રશસ્તિપત્ર, એક તકતી અને ઉત્કૃષ્ટ પરંપરાગત હસ્તકલા/હેન્ડલૂમ આઇટમ એનાયત કરવામાં આવે છે. જોકે ગીતા પ્રેસે જણાવ્યું હતું કે ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત થવું ખૂબ જ સન્માનની વાત છે, પરંતુ પ્રકાશક કોઈપણ પ્રકારનું દાન ન મેળવવાની તેની પરંપરાને ધ્યાનમાં રાખીને એવોર્ડની રોકડ રકમ સ્વીકારશે નહીં.
1995માં મહાત્મા ગાંધીની 125મી જન્મજયંતિના અવસર સરકારે આ એવોર્ડની શરૂઆત કરી હતી. ગીતા પ્રેસ આ વર્ષે તેની શતાબ્દી ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની જૂરી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને “હાસ્યાસ્પદ” ગણાવતા કોંગ્રેસના સાંસદે તેની સરખામણી હિન્દુત્વના વિચારક સાવરકર અને મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને પુરસ્કાર આપવા સાથે કરી હતી. તેમણે પત્રકાર અક્ષય મુકુલ દ્વારા લખાયેલ ગીતા પ્રેસ પર 2015ની એક પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં મહાત્મા ગાંધીના સંસ્થા સાથેના સંબંધોના ઉતાર-ચઢાવ અને તેમની સાથે રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર થયેલી લડાઈઓનો ખુલાસો કર્યો હતો.