શક્તિપીઠ અંબાણીમાં પ્રસાદીનો વિવાદ શમ્યો નથી ત્યારે પાવાગઢના સુપ્રસિદ્ધ કાલિકા મંદિરમાં છોલેલુ શ્રીફળ લઇ જવા પર તેમજ શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મુકવાથી વિવાદ ઊભો થયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટના મંત્રી અશોક પંડ્યાએ જણાવ્યું હતું કે ૨૦ માર્ચ૨૦૨૩ને સોમવારથી કોઈપણ  વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. મંદિરમાં શ્રીફળ માતાજીને ધરાવી ચૂંદળી સાથે ઘરે લઈ જવાનું રહેશે . ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી  સૌને વહેંચી શકો છો. 

પાવગઢની આસપાસમાં વેપારીઓ પાસેથી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાનમાં સ્વચ્છતામાં સહકાર નહિ આપવા તથા ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારીઓ નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરશે. મંદિરમાં આવી રહેલા શ્રદ્ધાળુઓને  મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી ચેકિંગ કરશે. આ નિર્ણય સામે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં  આક્રોશ જોવા મળ્યો હતો. 

પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં શ્રીફળ નહીં વધેરવાના ટ્રસ્ટના નિર્ણયનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રામધૂન યોજીને ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. AHP દ્વારા વિરોધ વ્યક્ત કરી વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરાના ઉપાધ્યક્ષ ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે, ‘કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા દેવામાં આવશે નહીં, સાથે જ આજુબાજુના વેપારીઓને પણ છોલેલું શ્રીફળ ન વેચવાની સૂચના આપવામાં આવી છે. ભક્તો અહીં શ્રીફળ વધેરવાની બાધા રાખતા હોય છે. ત્યારે શ્રીફળ વધેરવાની પરંપરા જારી રહેવી જોઇએ.’

LEAVE A REPLY