દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ગુરુવારે ફરી વિવાદમાં આવી હતી. ગુરુવારે તેના કેમ્પસની કેટલીક ઇમારતો પર બ્રાહ્મણ અને વાણિયા વિરોધી સૂત્રોનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ અંગેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-2ની બિલ્ડીંગની દિવાલોને બ્રાહ્મણ અને વણિક સમુદાયો વિરુદ્ધ સૂત્રો સાથે વિકૃત કરાઈ હતી. અહીં તોડફોડ કરવામાં આવી હોવાના પણ અહેવાલ હતા. આ ઘટના અંગે JNU વહીવટીતંત્ર તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.
દિવાલ પર “બ્રાહ્મણો કેમ્પસ છોડો”, “બ્રાહ્મણ ભારત છોડો”, રક્તપાત થશે, અને “બ્રાહ્મણો-બનિયા, અમે બદલો લેવા માટે આવી રહ્યા છીએ! અમે બદલો લઈશું.” જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા. RSS સંલગ્ન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ડાબેરીઓ પર આ કૃત્યનો આક્ષેપ કર્યો હતો.
ABVP જેએનયુ પ્રમુખ રોહિત કુમારે જણાવ્યું હતું કે “એબીવીપી ડાબેરી ગુંડાઓ દ્વારા શૈક્ષણિક જગ્યાઓની તોડફોડની નિંદા કરે છે. સામ્યવાદીઓએ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-2 બિલ્ડિંગમાં JNUની દિવાલો પર અપશબ્દો લખ્યા છે. આ લોકોએ મુક્ત વિચારસરણી ધરાવતા પ્રોફેસરોને ડરાવવા માટે તેમની ચેમ્બરોને વિકૃત કરી છે.”
JNU શિક્ષકોના સંગઠને પણ આ કૃત્યની નિંદા કરતી એક ટ્વિટ પોસ્ટ કરી હતી અને તેના માટે “લેફ્ટ લિબરલ ગેંગ” ને જવાબદાર ઠેરવી હતી.
ઉલ્લેખનીય છે કે જેએનયુમાં અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. થોડા વર્ષો પહેલા દેશ વિરોધી નારા લગાવવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ઘણા વિદ્યાર્થીઓ સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પણ આ જ કેસમાં આરોપી છે.