વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મેએ ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન કરશે. જોકે સરકારની આ જાહેરાત પછીથી વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસે માગણી કરી છે કે નવી સંસદનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં, પરંતુ પ્રેસિડન્ટ દ્વૌપદી મુર્મૂના હસ્તે થવું જોઇએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૦માં નવા સંસદ ભવનના ભૂમિપૂજન માટે એ વખતના પ્રેસિડન્ટ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. નવા સંસદ ભવનના ઉદઘાટન માટે હાલના પ્રેસિડન્ટ મુર્મૂને પણ આમંત્રણ અપાયું નથી. ભાજપ-આરએસએસના શાસનમાં પ્રેસિડન્ટના હોદ્દાનું મહત્વ માત્ર સાંકેતિક બની ગયું છે. સંસદ સર્વોચ્ચ સંસ્થા છે, જ્યારે પ્રેસિડન્ટ બંધારણના સર્વોચ્ચ વડા છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિરોધ પક્ષના ઘણા નેતાઓએ વડાપ્રધાનને બદલે પ્રેસિડન્ટ દ્વારા સંસદ ભવનના ઉદઘાટનની માંગ કરી છે. આમ આદમી પાર્ટી (આપ)એ જણાવ્યું છે કે, આ પ્રેસિડન્ટ મુર્મૂ સાથે સમગ્ર આદિવાસી અને પછાત સમાજનું અપમાન છે. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે, સૂચિત ઘટના ભાજપની ‘આદિવાસી અને દલિત વિરોધી માનસિકતા’ દર્શાવે છે.