તેલંગણામાં ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે મહંમદ પયગંબર અંગે કથિત અપમાનજનક ટીપ્પણી કરતા મંગળવારે મોટો વિવાદ ઊભો થયો હતો. ભાજપે તાત્કાલિક કાર્યવાહી કરીને વિવાદાસ્પદ નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને 10 દિવસમાં આ અંગે જવાબ માંગ્યો હતો.
મુસ્લિમોના ભારે વિરોધ બાદ તેલંગાણાની પોલીસે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની ધરપકડ કરી હતી. તેમની સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હૈદરાબાદમાં મોટી સંખ્યામાં મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુસ્લિમોએ સોમવાર-મંગળવાર દરમિયાન રાતથી દેખાવો શરૂ કર્યા હતા. મુસ્લિમોના ટોળાએ ‘ગુસ્તાખે નબી કી એક સજા, સર તન સે જુદા’ (માથું ધડથી અલગ કરવાની સજા)ના વાંધાજનક સૂત્રો પોકાર્યા હતા.
ટી રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે તેણે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં ટી રાજાએ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેની માતા પર પણ ટિપ્પણી કરી હતી.સોમવારે રાત્રે હૈદરાબાદ પોલીસ કમિશનર ઓફિસ સામે અને શહેરના અનેક વિસ્તારોમાં મુસ્લિમોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની ધરપકડની માંગ પર અડગ રહ્યાં હતા.
ટી. રાજા સિંહ હૈદરાબાદની ગોશામહલ બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા તેમણે કોમેડિયન મુનવ્વર ફારૂકીનો શો રદ કરવાની માગણી કરી હતી. ટી રાજા સિંહ પહેલા નુપુર શર્મા એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ કારણે તેમના વિરૂદ્ધ ભારે વિરોધ ફાટી નિકળ્યો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. આ પછી ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.