ભારતીય મૂળના મશહૂર બ્રિટિશ લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન શુક્રવારે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતા. ન્યૂયોર્કના બફેલો પાસે તેમના લેક્ચર પહેલા મંચ પર જ તેમની ગળા પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ નીચે ઢળી પડ્યા હતા. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસે આ હુમલાને પુષ્ટી આપી હતી અને જણાવ્યું હતું કે તેમને હેલિકોપ્ટર મારફત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
‘ધ સેતાનિક વર્સિસ’ નોવેલ માટે સલમાન રશ્દીને મારી નાખવાની ધમકીઓ મળી હતી. આવી ધમકીઓના 33 વર્ષ પછી શુક્રવારે રશ્દી પર હુમલો થયો છે. આ ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું કે, મંચ પર ઉભેલા રશ્દી પર અચાનક હુમલો કરાયો અને તેમને હુમલાખોરે મુક્કો કે ચાકૂ માર્યું હતું. ઘટનાસ્થળ પર દોડી આવેલા આરોગ્ય કર્મચારીઓએ રશ્દીની પ્રાથમિક સારવાર કરી હતી અને પછી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે.
સલમાન રશ્દી ભારતીય મૂળના લેખક છે. તેમણે ‘ધ સેતાનિક વર્સિસ’ અને ‘મિડનાઈટ ચિલ્ડ્રન’ જેવી જાણીતી નવલકથાઓ લખી છે. મિડનાઈડ ચિલ્ડ્રન માટે તેમને 1981માં બુકર પ્રાઈઝથી સન્માનિત કરાયા હતા. 1988માં આવેલી તેમની ચોથી નવલકથા ‘ધ સેતાનિક વર્સિસ’ને લઈને ઘણો વિવાદ થયો હતો. ઈરાને આ પુસ્તક પર એ જ વર્ષે પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધના એક વર્ષ પછી ઈરાનના દિવંગત નેતા અયાતુલ્લા ખામૈનીએ એક ફતવો બહાર પાડ્યો હતો, જેમાં રશ્દીની હત્યા કરનારને 30 લાખ ડોલર કરતા વધુ રકમ આપવાની જાહેરાત કરી હતી. તે પછી બ્રિટિશ સરકારે તેમને પોલીસ પ્રોટેક્શન આપ્યું હતું. ઈરાનની સરકારે ઘણા સમય પહેલા જ ખામૈનીના ફતવાથી પોતાને અલગ કરી દીધી હતી, પરંતુ રશ્દી વિરોધી ભાવના જળવાઈ રહી હતી. વર્ષ 2012માં ઈરાનના એક અર્ધ-સત્તાવાર ધાર્મિક ફાઉન્ડેશને સલમાન રશ્દીની હત્યા માટેના ઈનામમાં વધારો કરીને 33 લાખ ડોલર કરી દીધું હતું.