સાઉદી અરેબિયામાં અમેરિકી નાગરિક સાદ ઇબ્રાહિમ અલમાદીને વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ 16 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ટ્વીટમાં તેમણે સરકારની નીતિઓની ટીકા કરી હતી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.અમેરિકી નાગરિકના પુત્રએ આ માહિતી આપી હતી. અમેરિકી નાગરિક સાદ ઇબ્રાહિમ અલમાદી (72)એ આ ટ્વીટ લગભગ સાત વર્ષ પહેલા જ્યારે તે અમેરિકામાં રહેતો હતો તે દરમિયાનમાં કરી હતી.
ઇબ્રાહિમના પુત્રએ જણાવ્યું હતું કે તેના પિતા ફ્લોરિડામાં રહેતા હતા અને એક નિવૃત્ત પ્રોજેક્ટ મેનેજર છે. તે ગયા વર્ષે નવેમ્બરમાં પરિવારને મળવા માટે સાઉદી અરેબિયાની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વેદાંત પટેલે વોશિંગ્ટનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન અલ્માદીની અટકાયતની પુષ્ટિ કરી હતી.
ઈબ્રાહિમના પુત્રએ વધુમાં જણાવ્યુ્ં હતું કે તેના પિતાને આતંકવાદને સમર્થન આપવાના મામલામાં 3 ઓક્ટોબરે 16 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમના પર આતંકવાદી કૃત્યોની જાણ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ હતો. તેમના પર 16 વર્ષનો પ્રવાસ પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. તેણે કહ્યું હતું કે સાઉદી અધિકારીઓએ તેમને આ મામલે ચૂપ રહેવાની ધમકી આપી હતી અને અમેરિકી સરકારને તેમાં ન સાંકળવાની ચેતવણી આપી હતી.