બેન્ક ઓફ ઈંગ્લેન્ડે દેશના વ્યાજ દરમાં વધારો કરીને 5 ટકા કર્યા બાદ વડા પ્રધાન ઋષિ સુનકે તેમની સરકારના ફુગાવો અડધો કરવાના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ હોવાની ખાતરી આપી કહ્યું હતું કે ‘’યુકે જે આર્થિક દબાણોનો સામનો કરે છે તે સંઘર્ષ અને ઉર્જા ખર્ચના પરિણામે વ્યાપક વૈશ્વિક વલણનો એક ભાગ છે. હું માનુ છું કે યુકે આ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઇ જશે. બધુ ઠીક થઈ જશે.’’
વ્યાજ દર 15 વર્ષની ટોચે પહોંચતા કેન્ટમાં ડાર્ટફર્ડ ખાતે પીએમ કનેક્ટ ઈવેન્ટને સંબોધતા સુનકે કહ્યું હતું કે ‘’ફુગાવાને કાબૂમાં લેવો સરળ નથી, પરંતુ વ્યાજ દરો વધતા મોરગેજ ધારકો પર દબાણ હોવા છતાં પણ તેઓ ફુગાવો ઘટાડવા મક્કમ છે. વિપક્ષી લેબર પાર્ટીની ઉધાર લેવાની યોજનાઓ સ્થિતિને વધુ ખરાબ કરશે. સરકાર વધુ ઉધાર લેશે જે ફુગાવાની આગ પર પેટ્રોલ છાંટવા જેવું હશે. તે લાંબા સમય સુધી ચાલશે અને વ્યાજ દરો વધુ વધશે. હાલની સરકાર ફુગાવાને અડધો કરવા સૌથી મોટો ટેક્સ કટ આપી શકે છે.”
યુકેનો સત્તાવાર ફુગાવાનો દર મે મહિનામાં 8.7 ટકાના સ્તરે અટવાયો હતો, જે બેન્કના 2 ટકાના લક્ષ્યાંક કરતાં વધુ છે. બેંક ઓફ ઈંગ્લેન્ડના સ્વતંત્ર MPC પરના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી સ્વાતિ ઢીંગરાએ વ્યાજનો દર 4.5 ટકા રાખવાની તરફેણમાં મત આપ્યો હતો.