અમેરિકામાં ગર્ભપાત માટેની દવા-મિફેપ્રિસ્ટોન પર પ્રતિબંધના મુદ્દે કાનૂની લડાઇ વધી રહી છે. આ દવા સામાન્ય રીતે એબોર્શન (ગર્ભપાત) માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દવાના ઉપયોગ માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપી છે. હવે ટેક્સાસ અને વોશિંગ્ટનની ફેડરલ કોર્ટોએ ગયા સપ્તાહે આ દવા મુદ્દે બે વિરોધાભાસી ચૂકાદા આપ્યા છે. જે રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ છે, ત્યાં આ દવાની ડિલીવરી નહીં થવા દેવા માટેના ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
ટેક્સાસમાં એક ફેડરલ ન્યાયમૂર્તિએ ગર્ભપાતની આ દવાને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આપેલી મંજૂરી સ્થગિત કરી છે, અપીલ કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. બીજી તરફ વોશિંગ્ટન સ્ટેટના એક ફેડરલ ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે, એડમિનિસ્ટ્રેશને ઓછામાં ઓછા 12 ઉદાર રાજ્યોમાં આ દવા ઉપલબ્ધ કરાવવી જોઇએ.
આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, રાજ્યો પાસે એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂર થયેલી દવાઓ પર પ્રતિબંધ મુકવાની સત્તા નથી. 2014માં મેસેચ્યુસેટ્સ રાજ્ય દ્વારા એક દવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે કોર્ટે તે રદ્ કરતા જણાવ્યું હતું કે, એડમિનિસ્ટ્રેશનને આ દવા સલામત જણાઇ હોવાથી રાજ્ય સરકાર તેનો ઉપયોગ અટકાવી શકે નહીં.
આ અંગે મહિલાઓ માને છે કે, રીપબ્લિકન પાર્ટી સત્તામાં આવશે તો તે રાજ્યોમાં આ દવાને પ્રતિબંધિત કરવાનો પ્રયત્ન કરી શકે છે. અમેરિકાના અંદાજે 20 રાજ્યોમાં ગર્ભપાતને અટકાવતો કાયદો પસાર થઇ ગયો છે. ગટ્ટમાકર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, 2020માં અમેરિકામાં રીપ્રોડક્ટિવ હેલ્થ રીસર્ચ એન્ડ પોલિસી ઓર્ગેનાઇઝેશન દ્વારા ડોક્યુમેન્ટ્સ કરાયેલા ગર્ભપાતના 930,160 કેસમાં આ દવાની ભૂમિકા અડધા કરતાં વધુ- 53 ટકા હતી, જે 2008માં 17 ટકા અને 2017માં 39 ટકાથી વધુ હતું.
તાજેતરના વર્ષોમાં અમેરિકામાં કથિત દવાથી ગર્ભપાતની સંખ્યામાં નાટ્યાત્મક વધારો થયો છે, તે હજુ પણ ઘણા યુરોપિયન દેશોની જેમ પ્રચલિત નથી. ઉદાહરણ તરીકે, ફ્રાન્સમાં 2020માં 70 ટક ગર્ભપાત દવાથી થયા હતા.