ભારત સહિતનાલ 12 દેશોના 66 નાગરિકોને રવિવારે સુદાનથી સાઉદી અરેબિયા લાવવામાં આવ્યા આવ્યાં હતા. ભારતે હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીય લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પણ કામગીરી ચાલુ કરી દીધી છે. સાઉદી અને અન્ય નાગરિકોને લઈને જહાજ રવિવારે જેદ્દાહ પહોંચ્યું હતું. અગાઉ, વિદેશમંત્રી એસ જયશંકરે તેમના સાઉદી સમકક્ષ ફૈઝલ બિન ફરહાન અલ સઉદ સાથે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા અંગે વાતચીત કરી હતી. અમેરિકા અને બ્રિટનની સરકારો પણ ભારતના આ મિશનમાં સંપર્કમાં છે. સાઉદી અરેબિયા અને અન્ય દેશોના નાગરિકોને વાહનોના કાફલા દ્વારા પોર્ટ સુદાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ જહાજોમાં બેસીને જેદ્દાહ પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ અને જવાનોએ ઈદ નિમિત્તે મીઠાઈ વહેંચીને તેમનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સુદાનમાં સેના અને અર્ધસૈનિક દળો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અહીં 3 હજારથી વધુ ભારતીયો ફસાયેલા છે.
હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની યોજનાના ભાગરૂપે જેદ્દાહમાં ભારતીય એરફોર્સના બે સી-૧૩૦જે લશ્કરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ‘સ્ટેન્ડબાય’ રાખવામાં આવ્યા હતા. જ્યારે ભારતીય નેવીનું જહાજ આઇએનએસ સુમધા પણ એ વિસ્તારની નજીકના બંદરે પહોંચ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીયોને સુદાનમાંથી લાવવાની કન્ટિન્જન્સી યોજના તૈયાર છે પણ સ્થળ પર કોઇ પણ હિલચાલનો આધાર સુરક્ષાની સ્થિતિ પર રહેશે. મંત્રાલયના નિવેદન અનુસાર સુદાનમાં સુરક્ષાની સ્થિતિ હજુ નિયંત્રણમાં નથી.
રાજધાની ખાર્ટુમના જુદાજુદા સ્થળેથી હિંસક ઘર્ષણના અહેવાલ મળી રહ્યા છે. સુદાનના સત્તાવાળા ઉપરાંત, કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને સુદાન ખાતેની ભારતીય એમ્બેસી સંયુક્ત રાષ્ટ્ર, સાઉદી અરેબિયા, યુએઇ, ઇજિપ્ત અને અમેરિકાના પણ નિયમિત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “ભારતીય એરફોર્સે જેદ્દાહમાં બે સી-૧૩૦જે વિમાન સ્ટેન્ડબાય રાખ્યા છે. ઉપરાંત, ભારતીય નેવીનું આઇએનએસ સુમેધા સુદાનના બંદરે પહોંચી ગયું છે.” વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, સુદાનની એરસ્પેસ અત્યારે તમામ વિદેશી વિમાનો માટે બંધ છે. ઉપરાંત, જમીન પરની હિલચાલમાં પણ જોખમ છે. સતત ઘર્ષણની ઘટનાઓને પગલે ત્યાં લોજિસ્ટિક્સ સંબંધી પડકારો પણ છે.