શિક્ષણને ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ એક સર્વિસ ગણી શકાય કે નહીં તે મહત્ત્વના મુદ્દાની ચકાસણી કરવા સુપ્રીમ કોર્ટે સંમત થઈ છે. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ બી વી નાગરત્નની બનેલી ખંડપીઠે નોંધ્યું હતું કે બીજા એક કેસમાં આવો કાનૂની મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેથી બંનેની એકસાથે સુનાવણી થશે.
આ ખંડપીઠે 29 ઓક્ટોબરના આદેશમાં જણાવ્યું હતું કે મનુ સોલંકી અને અન્યો વિરુદ્ધ વિનાયક મિશન યુનિવર્સિટી વચ્ચેની સિવિલ અપીલ પેન્ડિંગ છે, જેમાં ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ શિક્ષણને એક સેવા ગણી શકાય કે નહીં તે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ કેસ પેન્ડિંગ છે. તેથી તમારી અપીલનો સ્વીકાર કરવામાં આવે છે અને તેને સિવિલ અપીલ સાથે જોડવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ કમિશનના આદેશને પડકારતી લખનૌના વ્યક્તિએ દાખલ કરેલી અરજીની સુનાવણી કરી રહી હતી. ગ્રાહક પંચે તેના આદેશમાં જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓ ગ્રાહક સુરક્ષા ધારા 1986ના અધિકારક્ષેત્રમાં આવતી નથી તથા સ્વીમિંગ જેવા સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ એક સર્વિસ ગણી શકાય નહીં.
આ કેસમાં અરજદારનો પુત્ર એક સ્કૂલમાં અભ્યાસ કરતો હતા. આ સ્કૂલમાં સ્વીમિંગ સહિતની સમર કેમ્પ સહિતની પ્રવૃત્તિ થતી હતી. સ્કૂલ રૂ.1000ની ફી લઇને વિદ્યાર્થીઓને આવા કેમ્પમાં લઈ ગઈ હતી. પરંતુ અરજદારને સ્કૂલમાંથી અર્જન્ટ કોલ આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમારો પુત્ર અસ્વસ્થ છે. સ્કૂલ પર પહોંચતા પિતાને માહિતી આપવામાં આવી હતી કે તેમનો પુત્ર સ્વીમિંગ પૂલમાં ડુબી ગયો છે અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી પુત્રને મોતની જાણકારી મળી હતી.
આ પછી અરજદારે રાજ્ય ગ્રાહક પંચમાં ફરિયાદ કરીને સ્કૂલની સર્વિસમાં બેદરકારી અને ખામીનો આરોપ મૂક્યો હતો અને પુત્રના મોત બદલ રૂ.20 લાખનું વળતર માંગ્યું હતું. આ ઉપરાંત માનસિક વ્યથા માટે રૂ.2 લાખ અને કોર્ટ કેસ પેટે રૂ.55,000નું વળતર માંગ્યું હતું. રાજ્ય ગ્રાહક પંચે આ ફરિયાદને રદ કરીને જણાવ્યું હતું કે અરજદાર એક ગ્રાહક નથી. આ ઓર્ડરને NCDRC માં પડકારવામાં આવ્યો હતો. NCDRCએ તેના આદેશમાં જણાવ્યું હતું કે સ્વીમિંગ જેવી ઇતર પ્રવૃત્તિ સાથે શિક્ષણ એક સર્વિસ નથી.