સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકનમાં જણાવ્યું હતું કે ઇમર્જન્સી સ્થિતિ ન હોય ત્યાં સુધી બંધારણીય કોર્ટે કોઇ પણ કોર્ટ માટે કોઇ કેસના નિકાલ માટે સમયબદ્ધ કાર્યક્રમ નિર્ધારિત કરવાનું ટાળવું જોઇએ. સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત સમયમાં ગુનાહિત મામલાનો નિકાલ કરવાની માગણી કરતી એક અરજી પણ ફગાવી દીધી હતી.
જસ્ટિસ અભય એસ ઓકા અને પંકજ મિથલની ખંડપીઠે જણાવ્યું હતું કે દરેક હાઈકોર્ટમાં અને ખાસ કરીને મોટી કોર્ટમાં મોટી સંખ્યામાં જામીન અરજીઓ દાખલ કરવામાં આવે છે અને તેથી આવી અરજીઓના નિકાલમાં થોડો વિલંબ અનિવાર્ય બને છે.
ખંડપીઠે જણાવ્યું હતું કે “અમારું માનવું છે કે દેશની દરેક હાઈકોર્ટ અને દરેક કોર્ટમાં કેસોનો મોટો ભરાવો છે તેથી બંધારણીય અદાલતે કોઈપણ કોર્ટ સમક્ષ કોઈપણ કેસના નિકાલ માટે સમયબદ્ધ શિડ્યૂલ નક્કી કરવાનું ટાળવી જોઈએ સિવાય કે પરિસ્થિતિ અસાધારણ હોય.”
સુપ્રિમ કોર્ટ શેખ ઉઝમા ફિરોઝ હુસૈન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારે માગણી કરી હતી કે મહારાષ્ટ્ર હાઈકોર્ટને તેમની જામીન અરજીનો સમયબદ્ધ રીતે નિર્ણય લેવાનો આદેશ આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો કોઈ અસાધારણ સ્થિતિ હોય, તો અરજદાર હંમેશા સંબંધિત ખંડપીઠમાં જઈ શકે છે. અમને ખાતરી છે કે જો વિનંતિ સાચી હશે, તો સંબંધિત ખંડપીઠ તેની સુનાવણી કરશે.