એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી)ની પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં યોજવાની મંજૂરી આપી છે. CAPFમાં સ્થાનિક યુવાનોની ભાગીદારીને અને પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની પહેલ પર આ ઐતિહાસિક નિર્ણય કરાયો છે.પહેલી જાન્યુઆરી 2024થી આ તમામ ભાષામાં પરીક્ષા લેવામાં આવશે.
આ નિર્ણયને પાથબ્રેકિંગ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ નિર્ણય આપણા યુવાનોની આકાંક્ષાઓને પાંખો આપશે! કોઈના સપના પૂરા કરવામાં ભાષા એક અવરોધ ન બને તે સુનિશ્ચિત કરવાના અમારા વિવિધ પ્રયાસો પૈકીનો આ નિર્ણય છે.
CAPFમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), સશસ્ત્ર સીમા બલ (SSB) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)નો સમાવેશ થાય છે.
ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં ગૃહ મંત્રાલયે CAPFના કોન્સ્ટેબલ (સામાન્ય ફરજ) પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં યોજવાની મંજૂરી આપી છે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, આસામી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ, ઓડિયા, ઉર્દૂ, પંજાબી, મણિપુરી અને કોંકણીમાં પ્રશ્નપત્ર તૈયાર કરાશે.
તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને શાહને પત્ર લખીને CRPF જવાનોની ભરતી માટેની લેખિત પરીક્ષાની ભાષામાં તમિલનો પણ સમાવેશ કરવાની માગણી કર્યાના થોડા દિવસો પછી ગૃહ મંત્રાલયે આ જાહેરાત કરી છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણયના પરિણામે લાખો ઉમેદવારો તેમની માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપી શકશે અને તેમની પસંદગીની શક્યતામાં સુધારો થશે. મંત્રાલય અને સ્ટાફ સિલેકશન કમિશન બહુવિધ ભારતીય ભાષાઓમાં પરીક્ષાના આયોજનને સરળ બનાવવા માટે હાલના સમજૂતી પત્રના પરિશિષ્ટ પર હસ્તાક્ષર કરશે.
નિવેદનમાં જણાવાયું છે કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો દ્વારા સ્થાનિક યુવાનોને તેમની માતૃભાષામાં પરીક્ષા આપવાની આ તકનો ઉપયોગ કરવા અને દેશની સેવા કરતી કારકિર્દી બનાવવા માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરશે તેવી અપેક્ષા છે. ગૃહ મંત્રાલય મોદીના નેતૃત્વ હેઠળ અને શાહના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ અને વિકાસને પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.