ભારતમાં ચેક બાઉન્સના કેસોમાં જંગી વધારાની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રીય નાણા મંત્રાલયે કેટલાંક મહત્ત્વના પગલાંની વિચારણા કરી રહ્યું છે. જો ચેક બાઉન્સ થાય તો ઇશ્યૂકર્તાના એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ કરવાની અને ચેક બાઉન્સ કેસના ગુનેગારો પર નવા એકાઉન્ટ ખોલવા પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત અંગે વિચારણા ચાલી રહી છે. હાલમાં દેશમાં ચેક બાઉન્સના આશરે 35 લાખ કેસ પેન્ડિંગ છે.
આવા પગલાંથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં મદદ મળશે. તેનાથી પૂરતું ભંડોળ ન હોય તો કોઇ વ્યક્તિ ચેક ઇશ્યૂ કરતાં પહેલા બે વાર વિચારણા કરશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ચેક બાઉસ કેસોનો સામનો કરવા માટે નાણા મંત્રાલયે તાજેતરમાં બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઘણા સૂચનો કરાયા હતા. કાનૂની માર્ગ અપનાવતા પહેલા કેટલાંક પગલાં લેવાનું સૂચન થયું હતું. આ પગલાંમાં જો ચેક ઇશ્યૂકર્તાના એકાઉન્ટમાં પૂરતું ન હોય તો ઇશ્યૂકર્તાના બીજા એકાઉન્ટમાંથી ડેબિટ કરવાનો સમાવેશ થાય છે. બીજું સૂચન ચેકબાઉન્સને લોન ડિફોલ્ટ સમકક્ષ ગણવાનો સમાવેશ થાય છે. તેથી ચેક ઇશ્યૂકર્તાના ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થશે. જોકે આ સૂચનોનો સ્વીકાર કરતાં પહેલા યોગ્ય કાનૂની અભિપ્રાય લેવામાં આવશે.
સૂચિત પગલાંના અમલ માટે બેન્કોમાં ડેટાનું સંકલન કરવું જરૂરી છે. ઓટો ડેબિટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની પણ જરૂર પડશે. ઉદ્યોગ સંગઠનોએ આવા કેસોના ઝડપી નિકાલ માટે કાયદામાં સુધારા કરવાની પણ રજૂઆત કરી છે.