(Photo by Hugh Hastings/Getty Images)

કન્ઝર્વેટિવ પાર્ટીએ નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને ટકાવી રાખવા, આધુનિકીકરણ અને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે કોમ્યુનિટી કેર સેવાઓને વિસ્તારવા માટે એક વ્યાપક યોજનાની જાહેરાત કરી છે. તા. 2ના રોજ અનાવરણ કરાયેલ નવી યોજનામાં ફાર્મસી ફર્સ્ટ સર્વિસનું વિસ્તરણ, જીપી સર્જરીનું આધુનિકીકરણ અને 50 નવા કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ (સીડીસી)નું નિર્માણ સામેલ છે.

ફાર્મસીઓને પ્રિસ્ક્રિપ્શન વિના વધુ સારવાર ઓફર કરવાની મંજૂરી આપીને, કન્ઝર્વેટિવ્સે હેલ્થ કેરનો ઍક્સેસ સુધારવા અને હોસ્પિટલો પરના દબાણને ઘટાડવાનું લક્ષ્ય રાખે છે.

કન્ઝર્વેટિવ્સ NHS મેનેજરીયલ હોદ્દાઓને પૂર્વ-રોગચાળાના સ્તરે ઘટાડીને અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ખર્ચને અડધો કરીને આ પહેલને નાણાં આપવાનું આયોજન કરે છે. પક્ષે જણાવ્યું હતું કે સ્વાસ્થ્યને નવા હાઉસિંગ ડેવલપમેન્ટ્સમાંથી ડેવલપરના યોગદાનનો “મોટો હિસ્સો” મળે તેની ખાતરી કરવા માટે પ્લાનીંગના માર્ગદર્શનમાં ફેરફાર કરવામાં આવશે.

વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે ‘’અમે NHSના ભવિષ્યને સુરક્ષિત કરવા અને હેલ્થ કેરને વધુ સુલભ બનાવવા માટે કોમ્યુનિટી સેવાઓમાં રોકાણ કરી રહ્યા છીએ. NHS એ આપણી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંપત્તિઓમાંની એક છે અને કન્ઝર્વેટિવ્સ તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લાંબા ગાળાના નિર્ણયો લઈ રહ્યું છે. અમારી સ્પષ્ટ યોજનાના ભાગરૂપે અમે કોમ્યુનિટી સર્વિસમાં રોકાણ કરી રહ્યા છીએ જેથી દર્દીઓને તેઓને જોઈતી સાર-સંભાળ પ્રાપ્ત થાય અને હોસ્પિટલ સેવાઓ પરના દબાણને દૂર કરવામાં મદદ મળે. જ્યારે પણ જરૂર પડે ત્યારે NHS બધા માટે ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માટે “માત્ર કન્ઝર્વેટિવ્સ” જરૂરી બોલ્ડ પગલાં લેશે.’’

સુનકે ફાર્મસી બિઝનેસને જણાવ્યું હતું કે ‘’ફાર્મસીઓ તેમના સમુદાયોનું જીવન છે, જે દર્દીઓ અને પરિવારોને સાતત્ય અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. તેથી જ અમે ફાર્મસી ફર્સ્ટ લોન્ચ કરી છે જેથી લોકો સ્થાનિક રીતે સાત સામાન્ય પરિસ્થિતિઓ માટે NHS સંભાળ મેળવી શકે અને તે ઝડપી, સરળ અને વધુ અનુકૂળ બને. હવે અમે વધુ આગળ વધી રહ્યા છીએ જેથી છાતીમાં ચેપ અને મેનોપોઝ જેવી એપોઇન્ટમેન્ટ મેળવવાની ઝંઝટ વગર વધુ સારવાર મેળવી શકાય. આથી GP પરનો ભાર પણ ઓછો થશે, જેથી લોકો ઝડપથી અને સરળતાપૂર્વક ડૉક્ટરની મુલાકાત લઈ શકશે. હું દેશભરના ફાર્માસિસ્ટનો તેમના દર્દીઓ અને તેમના સમુદાયો માટે આવશ્યક સેવા માટે આભાર માનું છું.”

હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે કહ્યું હતું કે, “ફાર્મસી, જીપી અને કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટરો આપણા NHSની કરોડરજ્જુ છે. સરકારે લીધેલા બોલ્ડ પગલાંને કારણે આ સેવાઓ વધુ સ્થળોએ વધુ લોકો માટે વધુ સુલભ બની છે.”

નેશનલ ફાર્મસી એસોસિએશનના ચીફ એક્ઝિક્યુટિવ પોલ રીસે આ અંગે કહ્યું હતું કે “તે સારા સમાચાર છે કે ઋષિ સુનક ફાર્મસીઓ માટે મોટી ભૂમિકા જુએ છે અને દરેક સરકારે આવા વિચારો લેવા જોઈએ. પરંતુ હકીકત એ છે કે કોમ્યુનિટી ફાર્મસીઓ લાંબા સમયથી ઓછું ભંડોળ મેળવે છે. હાલમાં તેમને મૂળભૂત NHS દવાઓ પર પણ સબસિડી આપવી પડે છે. સેંકડો ફાર્મસીઓ બંધ થઈ ગઈ છે અને હાલમાં દર અઠવાડિયે 10 ના દરે બિઝનેસમાંથી બહાર જવાની ફરજ પડી રહી છે. સરકારે ફાર્મસીઓને પૂરતા પ્રમાણમાં ભંડોળ આપવાની જરૂર છે, અન્યથા ફાર્મસી નેટવર્ક કે જે NHS ની કરોડરજ્જુ છે તેને નુકસાન થશે.”

નવી યોજના અંતર્ગત મહિલાઓને વધુ ગર્ભનિરોધક વિકલ્પો, મેનોપોઝ સપોર્ટ, ખીલ અને છાતીમાં ચેપ જેવી પરિસ્થિતિઓ માટે ફાર્મસીમાં સારવાર મળશે. વિસ્તૃત યોજના સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા પછી દેશભરમાં 20 મિલિયન GP એપોઇન્ટમેન્ટ્સ ઓછી થશે. 100 નવી GP સર્જરીઓ બનાવાશે અને 150 હાલની સર્જરીઓનું આધુનિકીકરણ કરાશે. તો વધારાના 50 નવા સામુદાયિક નિદાન કેન્દ્રોનું નિર્માણ કરાશે. આ નવા કેન્દ્રો સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી વાર્ષિક 2.5 મિલિયન વધારાના ચેકઅપ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરી શકાશે.

આ પહેલાથી ફાર્મસી ફર્સ્ટ યોજના અંતર્ગત ફાર્માસિસ્ટ સાઇનસાઇટિસ, ગળામાં દુખાવો, કાનનો દુખાવો, ચેપગ્રસ્ત જંતુના કરડવાથી, ઇમ્પેટીગો, દાદર અને સ્ત્રીઓમાં પેશાબની નળીઓના વિસ્તારનાં ચેપની સારવાર આપી શકે છે.

LEAVE A REPLY