ટોરોન્ટોઃ કેનેડામાં મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર પિયેરે પોઇલીવ્રેએ દેશમાં હિંદુ ફોબિયાના વધી રહેલા બનાવની આકરી ટીકા કરી હતી. આમ પોઇલીવ્રે કેનેડામાં આ પ્રકારની પરિસ્થિતિનો પ્રતિભાવ આપનારા અગ્રણી ફેડરલ પાર્ટીના પ્રથમ આગેવાન બન્યા છે.
પ્રાઇમ એશિયાને તેમણે જણાવ્યું હતું કે આપણે હિંદુફોબિયા અને હિંદુઓ પર થતી અભદ્ર ટિપ્પણી તથા હિંદુ કેનેડિયનોને ધ્યાનમાં રાખીને થતી હિંસા કે તોડફોડ અટકાવવી જોઈએ. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
ગયા વર્ષે જુલાઈમાં કેનેડામાં હિંદુ મંદિરોને અપવિત્ર કરવાની પાંચ ઘટના બની હતી. તેમા આ મહિને ઓન્ટારિયામાં વિન્ડસર ટાઉન ખાતે બેપ્સ શ્રી સ્વામિનારાયણ મંદિરનું પ્રકરણ બન્યું હતું. આ જ સમયે વિન્ડસર પોલીસ સર્વિસે જણાવ્યું હતું કે તે હિંદુ મંદિરમાં થયેલી તોડફોડને હેટ મોટિવેટેડ ઇન્સિન્ડન્ટ (ધિક્કાર પ્રેરિત બનાવ) તરીકે ગણીને તપાસ કરી રહી છે.
સિક્યોરિટી કેમેરાની ઇમેજ દર્શાવે છે કે તપાસકર્તઓએ બેને પકડ્યા હતા, પરંતુ આ કેસમાં વધુ વિગત મળી નથી. અગાઉના ચાર બનાવમાં કોઈની ધરપકડ થઈ નથી.આ પ્રકારના હુમલાઓની કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની કેબિનેટના વરિષ્ઠ સભ્યોએ આકરી ટીકા કરી છે, તેમા વિદેશ પ્રધાન મેલની જોલી અને સંરક્ષણ પ્રધાન અનિતા આનંદનો સમાવેશ થાય છે. આનંદે તો બેપ્સ મંદિરની 13 એપ્રિલના રોજ વિન્ડસર ટેમ્પલ ખાતે મુલાકાત લીધી હતી અને પછી ટ્વીટ કર્યુ હતું કે તેણે મંદિરના આગેવાનો અને કમ્યુનિટી સાથે મુલાકાત કરી છે અને જણાવ્યું છે કે કેનેડામાં આ પ્રકારના ધિક્કારજન્ય અને ભેદભાવપૂર્ણ વર્તણૂકને કોઈ સ્થાન નથી.
ફેબ્રુઆરીમાં જોલીએ ટ્વીટ કર્યુ હતુ કે કેનેડામાં હિંદુ મંદિરોમાં તોડફોડ કરવાની ઘટના અટકવી જોઈએ. જો કે ટ્રેડેયુએ હજી સુધી આ ઘટના અંગે કશું કહ્યું નથી. જાન્યુઆરીમાં હાઉસ ઓફ કોમન્સમાં આ અંગે બોલતા લિબરલ પાર્ટીના સાંસદ ચંદ્ર આર્યએ કેનેડિયન સત્તાવાળઓને આ પ્રકારના ટ્રેન્ડની ગંભીર નોંધ લઈ તેનો તાત્કાલિક પ્રતિસાદ આપવા જણાવ્યું હતું.
ઇસ્લામોફોબિયા અને કટ્ટરવાદના પરિણામે આપણી મસ્જિદો અને સાયનાગોગની બહાર થતા હેટક્રાઇમના લીધે મુસ્લિમ અને યહૂદી ભાઈઓ તથા બહેનોને દુઃખ થાય છે હિંદુ કેનેડિયનો પણ આ જ પ્રકારનું દુઃખ સહન વધી રહેલા હિન્દુ ફોબિયાના લીધે સહન કરી રહ્યા છે, એમ તેમણે હાઉસમાં જણાવ્યું હતું.
14 ફેબ્રુઆરીના રોજ જીટીએમાં મિસિસોગા ટાઉન ખાતે શ્રીરામ મંદિરને ટાર્ગેટ બનાવાયું હતું. 30 જાન્યુઆરીના રોજ બ્રેમ્પટન ખાતેનું ગૌરીશંકર મંદિર અપવિત્ર કરાયુ હતુ. આ પહેલા ગયા વર્ષે રીચમંડ હિલ ખાતે વિષ્ણુમંદિરમાં મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરાઈ હતી. 20 ફૂટની તાંબાની પ્રતિમા મંદિરના પીસ પાર્કમાં મૂકવામાં આવી હતી. સપ્તાહો પછી સપ્ટેમ્બરમાં આ પ્રકારની ઘટના ટોરોન્ટોમાં બેપ્સના શ્રી સ્વામિનારાયણના એન્ટ્રન્સ આગળ થઈ હતી અને ત્યાં અભદ્ર લખાણો લખાયા હતા.