ડેટ્રોઇટના ડેમોક્રેટિક ઇન્ડિયન અમેરિકન રીપ્રેઝન્ટેટિવ શ્રી થાનેદારની માલિકીના કમ્યુનિટી સેન્ટરમાં સોમવારે સવારે પર સ્પ્રે પેઇન્ટથી “વંશીય” અને “યુદ્ધવિરામ” લખીને તોડફોડ કરવામાં આવી હતી. સેન્ટર પર “ફ્રી પેલેસ્ટાઈન” અને થાનેદાર માટે “શ્રી રેસિસ્ટ” છે તેવું લખવામાં આવ્યું હતું. ડેટ્રોઈટના લિવરનોઈમાં આવેલા આ સેન્ટરની બહાર પોસ્ટરમાં છાપવામાં આવેલા થાનેદારના ચહેરા પર લાલ રંગથી ચોકડી મારવામાં આવી હતી અને શિંગડા દોરવામાં આવ્યા હતા.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં ઇઝરાયેલ વિરોધી દેખાવો વધી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ કેમ્પસની અંદર પેલેસ્ટિનિયન તરફી શિબિરો ઊભી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હમાસના હુમલા બાદ થાનેદાર ઈઝરાયેલના કટ્ટર સમર્થક રહ્યા છે, જેમાં ઓછામાં ઓછા 1,200 ઈઝરાયેલીઓના મોત થયા હતા. થાનેદારે મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ આ અંગે ડેટ્રોઇટ પોલીસમાં ફરિયાદ નોંધાવશે અને “આ માત્ર એક અલગ ઘટના નથી.” ઇઝરાયેલ વિરોધી દેખાવકારોએ ગત વર્ષે ડિસેમ્બરમાં વેઇન સ્ટેટ યુનિવર્સિટી નજીકની ક્લબમાં હોલીડે પાર્ટીમાં પણ વિક્ષેપ પાડ્યો હતો.
થોડા મહિના અગાઉ, કેટલાક દેખાવકારો પણ થાનેદારના ઘરની બહાર જોવા મળ્યા હતા અને તેમની પત્નીને ડરાવવા માટે તેમણે નારા લગાવીને દરવાજો ખટખટાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઇન્ડિયન કોંગ્રેસમેન થાનેદારે હમાસની ક્રુરતાની કડક શબ્દોમાં નિંદા ન કરવા બદલ ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સ ઓફ અમેરિકા સાથે પણ અગાઉ છેડો ફાડ્યો હતો.